Budget 2021: 3 વર્ષમાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક શરૂ કરાશે
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરતાં કહ્યું કે સરકાર મુખ્ય ક્ષેત્રોના વિસ્તરણ માટે, વૈશ્વિક સ્તરે અગ્રણી ઉદ્યમીઓને તૈયાર કરવા તથા તેમના પોષણ માટે તેમજ યુવાનોને રોજગાર પૂરા પાડવા માટે નાણાકીય વર્ષ 2021-22થી આગામી 5 વર્ષમાં લગભગ 1.97 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા પ્રતિબદ્ધ છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની વિનિર્માણ કંપનીઓ માટે વૈશ્વિક સપ્લાય ચેઇનનો અભિન્ન ભાગ બનવાની, મહત્વપૂર્ણ કાર્યક્ષમતા અને અત્યાધુનિક તકનીક મેળવવાની જરૂર છે જેથી તે 5 ટ્રિલિયન અમેરિકી ડોલરવાળું અર્થતંત્ર બની શકે. આ માટે, આપણા વિનિર્માણ ક્ષેત્રનો વિકાસ દર ડબલ અંકોમાં ટકાવી રાખવો પડશે. તેમણે કહ્યું કે ઉપરોક્ત સિદ્ધિ સુધી પહોંચવા તથા એક આત્મનિર્ભર ભારત માટે વિનિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ તૈયાર કરવાના હેતુથી 13 સેક્ટર માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહનો (પી.એલ.આઇ.) યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
આગામી 3 વર્ષમાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક શરૂ કરવામાં આવશે.
નાણાં મંત્રીએ કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, વધુ રોકાણ આકર્ષવા અને રોજગાર પેદા કરવા પર ભાર મૂકવા માટે માસ ઈન્વેસ્ટમેન્ટ ટેક્ષટાઇલ પાર્ક (મિત્ર) નામની યોજનાની દરખાસ્ત કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યું કે આનાથી નિકાસના ક્ષેત્રે વૈશ્વિક સ્તર પર અગ્રણી કંપનીઓ વિકસિત કરવાના ઉદ્દેશ સાથે આરામદાયક સુવિધાઓથી સજ્જ વૈશ્વિક કક્ષાના માળખાનું નિર્માણ થશે. નાણાં મંત્રીએ કહ્યું કે, આગામી 3 વર્ષમાં 7 ટેક્ષટાઇલ પાર્ક બનાવવામાં આવશે.