CIDની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પકડવા પોલીસ એક્શનમાં
ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલના સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘરે પહોંચી હતી. પરંતુ, ઘરે તાળું મારેલુ હોવાથી પોલીસ ખાલી હાથે પરત ફરી હતી. પોલીસ હવે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી રહી છે.હત્યાના પ્રયાસ કેસમાં જામીન રદ થયા બાદ નીતા ચૌધરી ભૂગર્ભ ઊતરી જતા હવે કચ્છ પોલીસમાં દોડધામ મચી છે.
નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ સામે ગુનો
કચ્છના ભચાઉમાં 30 જૂનના પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરી અને કાર ચલાવનાર બુટલેગર યુવરાજસિંહ સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ભચાઉની નીચલી કોર્ટે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા. આ આદેશ સામે પોલીસે ભચાઉની સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની મંગળવારે થયેલી સુનાવણી બાદ લેડી કોન્સ્ટેબલને મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો.
જેલમાં જવાના ડરે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી
ભચાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર બુટલેગર યુવરાજસિંહે કાર ચઢાવી હતી. તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો અને પીએસઆઈની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના વખતે નીતા ચૌધરી બુટલેગર સાથે હતી. આ કેસમાં સીઆઈડી બ્રાંચમાં ફરજ બજાવતી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. બુટલેગર યુવરાજસિંહ સામે દારૂની હેરાફેરી સહિતનાં 16 થી વધુ ગુના નોંધાયા છે. યુવરાજસિંહ અને નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ નકારીને નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.