શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 નવેમ્બર 2021 (11:24 IST)

કરોડો ખેડૂતો સુધી પહોંચવા એચડીએફસી બેંકે ભારત સરકાર સાથે મિલાવ્યો હાથ, ખેડૂતોને મળશે આ સુવિધા

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે આજે e-NAMના વિવિધ લાભાર્થીઓની સાથે ડિજિટલ કલેક્શન અને ફંડ્સના સેટલમેન્ટને શક્ય બનાવવા માટે ભારત સરકારના એગ્રીકલ્ચર માર્કેટ (eNAM)ની સાથે એકીકરણ કરવાની જાહેરાત કરી છે.
 
કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રાલયના છત્ર હેઠળની નોડલ અમલીકરણ એજન્સી તરીકે સ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કૉન્સોર્ટિયમ (SFAC)ની સાથે વર્ષ 2016માં લૉન્ચ થયેલ eNAM એ એક ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફૉર્મ છે, જે ખેડૂતો, ટ્રેડરો, એફપીઓ અને અન્ય હિતધારકો માટે કૃષિ કૉમોડિટીઝના ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડે છે.
 
પરંપરાગત વ્યવસ્થામાં ખેડૂતોએ તેમની કૃષિ પેદાશોને વેચવા માટે તેમના ગામથી નજીકમાં આવેલી મંડી સુધી પહોંચવા માટે માઇલોની મુસાફરી કરવી પડતી હતી. ટેકનોલોજીના હસ્તક્ષેપે દેશમાં કૃષિવ્યાપારમાં ક્રાંતિ લાવી દીધી છે. હાલમાં e-NAM સમગ્ર દેશની 1,000 જેટલી મંડીઓ સાથે એકીકૃત થયેલ છે. એચડીએફસી બેંકે આ સંલગ્નતા હેઠળ eNAM સાથેના એકીકરણ મારફતે અહીં નીચે જણાવેલા કલેક્શનના મૉડ પૂરાં પાડી e-NAM પ્લેટફૉર્મ પર વ્યાપાર કરવાની સુગમતાને હજી વધારે સુધારવા SFAC સાથે સહભાગીદારી કરી છેઃ
 
 
1) મલ્ટી-નેટબેંકિંગ
 
2) ડેબિટ કાર્ડ
 
3) એનઇએફટી/આરટીજીએસ
 
4) યુપીઆઈ/આઇએમપીએસ
 
e-NAM પ્લેટફૉર્મનો ઉપયોગ કરી રહેલા ખેડૂતોએ તેમની નોંધણી કરાવવા માટે ફક્ત તેમની કેવાયસીની વિગતો અપલૉડ કરવાની રહે છે. તેમની ઉપજની વિગતો (લૉટ આઇડી) અને ગુણવત્તા મૂલ્યાંકનનું પ્રમાણપત્ર મંડી દ્વારા ઈ-બિડિંગ પ્રોસેસ સમક્ષ અપલૉડ કરવામાં આવે છે. એકવાર વેચાણનું બિલ ફાઇનલ થઈ જાય તે પછી તેઓ એચડીએફસી બેંક દ્વારા પૂરી પાડવામાં આવેલી સક્ષમ સિસ્ટમનો ઉપયોગ કરીને સરળતાથી ચૂકવણી મેળવી શકે છે.
 
બેંક તેની 5,000થી વધુ શાખાઓના નેટવર્ક મારફતે ખેડૂતોને વધુ સહાયરૂપ થાય છે. પોતાની 50%થી વધુ શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી હોઈ એચડીએફસી બેંક ખેડૂતો અને ટ્રેડરોને તેની બેંકિંગ સેવાઓ સુધીની પહોંચ પૂરી પાડે છે, જેથી કરીને તેઓ eNAM પ્લેટફૉર્મ પર તેમની વ્યાપારી પ્રવૃત્તિઓ કરી શકે, અત્યંત અંતરિયાળ વિસ્તારોમાં પણ.
 
આ એકીકરણથી ફક્ત ખેડૂતોને જ નહીં પરંતુ ફાર્મર પ્રોડ્યૂસ ઓર્ગેનાઇઝેશનો (FPOs), કમિશન એજન્ટો, સંસ્થાગત ખરીદદારો અને મંડી સ્તરના અન્ય સેવાપ્રદાતાઓ પણ લાભાન્વિત થશે, જેઓ સમગ્ર કૃષિ મૂલ્ય શ્રૃંખલાની રચના કરે છે. કલેક્શન ઉપરાંત, આ પ્લેટફૉર્મ લાભાર્થીના ખાતામાં કોઇપણ પ્રકારના મેન્યૂલ હસ્તક્ષેપ વગર સ્વચાલિત સેટલમેન્ટ મિકેનિઝમને પણ શક્ય બનાવે છે.
 
એસએફએસીના મેનેજિંગ ડિરેક્ટર નીલકમલ દરબારી (આઇએએસ)એ જણાવ્યું હતું કે, ‘ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ખેડૂતોને પ્રાપ્ત થતાં લાભને મહત્તમ સ્તરે લઈ જવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરિકલ્પનાને અનુરૂપ એચડીએફસી બેંક સાથેનું આ જોડાણ સમગ્ર દેશના ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે તેવી આશા છે, કારણ કે, તેની મદદથી ખેડૂતો તેમની અનુકૂળ જગ્યાએથી બિઝનેસ ટ્રાન્ઝેક્શનો કરી શકશે.’
 
એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ તથા ગિગ બેંકિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુનાલી રોહરાએ જણાવ્યું હતું કે, ‘eNAM પ્લેટફૉર્મ માટે અમારી બેંકિંગ સેવાઓ પૂરી પાડવા એસએફએસી સાથે સહભાગીદારી કરવાની તક મેળવીને અમે ખૂબ જ ખુશ છીએ. તેની મદદથી અમે ખેડૂતોને નિર્બાધ રીતે ચૂકવણીઓ મેળવવા સક્ષમ બનાવી શકીશું અને તેમને વ્યવસાય કરવાની સુગમતા પૂરી પાડી શકીશું. 
 
એચડીએફસી બેંક સરકાર સાથે સહભાગીદારી કરવાની બાબતે અગ્રણી રહી છીએ. વર્ષ 2001માં અમારી નિમણૂક સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ માટે કરના એકત્રિકરણનું ડિજિટાઇઝેશન કરવા માટેની પ્રથમ એજન્સી બેંક તરીકે થઈ હતી. આ અનુભવ પર આધાર રાખીને વર્ષ 2003માં વધુ બે બેંકોને તેમાં સામેલ કરવામાં આવી. આજે કરના એકત્રિકરણ માટે ભારતમાં બીજી સૌથી મોટી એજન્સી બેંક તરીકે અમારું દ્રઢપણે માનવું છે કે, સરકાર અને ખાનગી પ્લેયરો વચ્ચેની સહભાગીદારી અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.’
 
વર્ષ 2021 સુધીમાં 1.7 કરોડથી વધારે ખેડૂતો અને 1.8 લાખથી વધારે ટ્રેડરો eNAM પર નોંધાયેલા છે અને આ ડિજિટલ માર્કેટપ્લેસથી લાભાન્વિત થયેલા છે. નાણાકીય વર્ષ 2020-21માં eNAM પર વ્યાપાર થયેલી કૃષિ-પેદાશનું કુલ મૂલ્ય અંદાજે રૂ. 1.3 લાખ કરોડ થવા જાય છે. હાલમાં 1000થી વધુ મંડી આ પ્લેટફૉર્મ સાથે પહેલેથી જ સંકળાયેલી છે અને સરકારે બજેટ સ્પીચમાં જાહેર કરી ચૂકી છે કે, આગામી 2-3 વર્ષમાં વધુ 1000 મંડીઓને આ પ્લેટફૉર્મ સાથે એકીકૃત કરવામાં આવશે.
 
એચડીએફસી બેંક એ કરના એકત્રિકરણ માટે ભારત સરકારની બીજી સૌથી મોટી એજન્સી બેંક છે. પોર્ટલ મારફતે ખરીદી માટેના કૉશન મની ડીપોઝિટનું એકત્રિકરણ કરવા GeM પોર્ટલ સાથે એકીકરણ ઉપરાંત, આ બેંકને પ્રત્યક્ષ કર અને જીએસટીની ચૂકવણીઓ માટે કલેક્ટિંગ બેંકર તરીકે નામાંકિત કરવામાં આવી છે. આ સિવાય, આ બેંક મનરેગા, પીએમએવાય અને પીએમએસકેવાય જેવી સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કરવામાં આવતી કુલ ડીબીટી ચૂકવણીઓની લગભગ 9% ચૂકવણીઓને સંભાળે છે.
 
એસએફએસી સમગ્ર દેશમાં ‘10000 એફપીઓની રચના કરવા અને તેને પ્રોત્સાહન આપવા’ માટેના સીએસએસનું અમલીકરણ પણ કરી રહ્યું છે. e-NAM પર રહેલ એફપીઓ e-NAM પ્લેટફૉર્મ પર નાના અને સીમાંત ખેડૂતોની સહભાગીદારીને ચોક્કસપણે વધારશે, જેથી કરીને તેમની કૃષિમાંથી પ્રાપ્ત થતી આવકને વધારી શકાય.