ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવી અને બાળકની માતા બનવાનો વિચાર કરવો એ જીવનનું બહુ મોટું પગલું હોય છે. આ બહુ મોટી જવાબદારી છે અને તેના માટે વધુ સારી તૈયારીની જરૂર પડે છે. ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવા માટે અને બાળકને સફળતાપૂર્વક જન્મ આપવા માટે તમારે તમારા શરીરને તૈયાર કરવાની જરૂર રહે છે. તમે ગર્ભવતી બનવાની યોજના ધરાવતા હો તો અહીં કેટલીક બાબતો આપી છે, જે કરવાનું તમારે ટાળવું જોઈએ.
1. પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો- ફ્રૅન્ચ-ફ્રાઈઝ, તળેલાં કાંદા, ચિકન નગેટ વગેરે વાનગીઓ સ્વાદમાં બહુ મસ્ત હોય છે. પણ ગર્ભવતી થવાની તૈયારી કરી રહ્યા હો ત્યારે, તમારું શરીર સ્વસ્થ-તંદુરસ્ત હોય એ જરૂરી છે. પ્રોસેસ્ડ ફૂડ ખાવાનો અર્થ થાય છે તમારા શરીરમાં ઈન્ફ્લેમેશનનું (બળતરા કે સોજો) પ્રમાણ વધુ રહેશે અને આ બાબત ઘણીવાર ગર્ભાવસ્થાની શક્યતાઓને ઓછી કરી નાખે છે. તકેદારી રાખો કે તમે ફળો, શાકભાજી જેવો સ્વસ્થ આહાર લો જે તમારા શરીરમાં ઈન્ફ્લેમેશનનું પ્રમાણ ઘટાડે અને તમારા શરીરને ગર્ભાવસ્થા માટે તૈયાર કરે.
2. ધૂમ્રપાન ટાળો - ધૂમ્રપાન તમારા વીર્ય અથવા ઈંડાંના કોષો માટે સારું ગણાતું નથી. સિગારેટ વીર્ય અને ઈંડાંને મારનારી ગણાય છે. નિયમિતપણે ધૂમ્રપાન કરતી સ્ત્રીઓમાં મેનોપોઝ વહેલું આવવાનું જોખમ વધુ પ્રમાણમાં હોય છે. તો, સ્મૉકિંગ કરતા પુરુષોમાં વીર્યની ગતિ 13% ઓછી હોય છે, આ બાબત તેમને વીર્યને ઈંડાં સુધી પહોંચવા દેતી નથી. સ્મૉકિંગ ટાળવું આ બાબત તમારી માટે ગર્ભાવસ્થા માટેની વધુ શક્યતાઓ ઊભી કરશે અને ભાવિ પ્રૅગ્નન્સીઝમાં પણ તમને મદદરૂપ થશે.
3. વધુ પડતો આલ્કૉહૉલ લેવાનું ટાળો - વધુ પડતા આલ્કૉહૉલનું સેવન વીર્યની ગતિને ઘટાડવાનું કામ કરે છે, જે ગર્ભાવસ્થાની શક્યતાઓમાં પણ ઘટાડો કરે છે. ગર્ભવતી થવાનો પ્રયાસ કરી રહેલી સ્ત્રીઓ શરાબ સેવન ટાળે નહીં તો તેમનામાં ફેટાલ આલ્કૉહૉલ સીન્ડ્રોમ એટલે કે ગર્ભ સંબંધી સમસ્યા સર્જાઈ શકે છે. તમને શરાબ સેવન માટે પ્રોત્સાહિત કરી શકે એવા લોકોથી દૂર રહો.
4.ચેપથી બચો - તમે ગર્ભવતી થવાનો પ્રયાસ કરી રહ્યા હો ત્યારે જાગરુક રહેવાનું સૌથી મહત્વનું પાસું એટલે, પાશ્ચરાઈઝ્ડ ન હોય એવા દુગ્ધ ઉત્પાદનો, રાંધ્યા વિનાનું માંસ, નરમ ચીઝ, સુશી, પારાનું વધુ પ્રમાણ ધરાવતી માછલી વગેરે જેવો ઉચ્ચ જોખમ ધરાવતા આહારથી દૂર રહો. આ આહાર ચેપનું કારણ બની કે છે, જે ગર્ભને અસર કરી શકે છે. તેના કારણે જન્મ સમયે શીશુનું વજન ઓછું હોવું, સમયથી પહેલા ડિલિવરી અને કેટલાક કિસ્સામાં કસુવાવડ જેવી જટિલતા નિર્માણ થઈ શકે છે. તકેદારી રાખો કે તમે એવું જ ભોજન લો છો જે બરાબર રાંધેલું હોય અને દુગ્ધ ઉત્પાદનો યોગ્ય રીતે પાશ્ચરાઈઝ્ડ કરેલા હોય.
5. મદદ લેવાનું છોડી ન દો - ફળદ્રુપતા અથવા પ્રજનનક્ષમતા સંબંધી સમસ્યાઓ ગંભીર તબીબી પરિસ્થિતિ છે. જે રીતે તમને છાતીમાં દુખાવો અથવા બ્લડ પ્રૅશરની સમસ્યા થય તો તેના માટે તમે ડૉક્ટર પાસે જાવ છો, એ જ રીતે તમને જો પ્રજનનક્ષમતા સંબંધી સમસ્યા હોય તો સારા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટની સલાહ લેવામાં જરાય ખચકાટ રાખવો નહીં. ડૉક્ટર ફર્ટિલિટી સ્કીનિંગ હાથ ધરે છે, જેમાં ગર્ભાશયની નળી, ગર્ભાશય, વીર્યનું સ્વાસ્થ્ય, જેનેટિક પ્રોફાઈલ વગેરે જેવી બાબતો ચકાસવામાં આવે છે. આઈવીએફ જેવી આસિસ્ટેટડ રિપ્રોડક્ટિવ સારવાર ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરી શકે છે.
6. ગર્ભવસ્થા ધારણ ન કરી શકતા હો ત્યારે પોતાને દોષ આપવાનું ટાળો - ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવા સાથે અનેક પરિબળો સંકળાયેલાં હોય છે. પુનરુત્પાદનના મોરચે મનુષ્ય સૌથી અકુશળ સસ્તન પ્રાણી છે. આ કારણથી જ તેને 'મનુષ્ય પુનરુત્પાદન' કહેવાય છે 'પ્રાણી પુનરુત્પાદન' નહીં. આમ છતાં લોકો હર-હંમેશ એવી બડાઈઓ હાંકતા હોય છે કે પોતે કઈ રીતે ગર્ભાવસ્થા પ્રાપ્ત કરી હતી. તેમના માટે આ બાબત કદાચ સાચી હોઈ શકે છે, પણ વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના લોકોને સ્વસ્થ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવામાં છથી 12 મહિના જેટલો સમય લાગતો હોય છે. ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટની મદદ મેળવવાથી તમને સમસ્યાનું નિદાન મળશે અને એ માહિતી પણ મળશે જેના પગલે તમે યોગ્ય સારવારના માધ્યમથી ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવાની શક્યતા વધારી શકો છો. આથી, આ સમસ્યા માટે તમારી જાતને દોષ આપવાનું સૌથી પહેલા તો બંધ કરો.
7. તાણથી દૂર રહો - તાણ શબ્દ માત્રથી સૌને નફરત હોય છે. દરેક જણ તાણથી દૂર ભાગવા માગે છે, પણ તે તમને પોતાની તરફ ખેંચી જ લે છે. આથી તાણ સાથે પનારો પાડવાના કે તેના સામનો કરવાના કેટલાક માર્ગ અપનાવવા જરૂરી છે. શ્વસન સંબંધી કસરતો અને ધ્યાન તાણ સાથે કામ લેવામાં તમારી મદદ કરી શકે છે. અત્યારે ઈન્ટરનેટ પર અનેક વેબસાઈટ્સ અને ઍપ્સ ઉપલબ્ધ છે, જે તમને તાણમાંથી ઉગરવા સંબંધી ટિપ્સ આપવાની સાથે શાંતિપૂર્ણ અને આનંદી જીવન જીવવાના માર્ગ દેખાડી શકે છે. આ વિચારો વાંચો અને તમને સરળ લાગતા હોય તેના પર અમલ કરો. તમારા જીવનને વ્યવસ્થિત કરવા માટે તમારાથી બનતા તમામ પ્રયત્નો કરો. તમારા મિત્રો અને થૅરાપિસ્ટ સાથે વાત કરવાથી તમને મદદ મળતી હોય તો એ પણ કરો. તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો સુધારો અને જેમની સાથે તમે સારું મહેસૂસ કરતા હો એવા તમારા નિકટજનો-પ્રિયજનો સાથે સમય વીતાવો. આ બધી બાબતો તમને ગર્ભાવસ્થામાં બહુ મોટી મદદ કરશે.