શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 4 ઑગસ્ટ 2024 (14:48 IST)

બ્રિટનમાં હિંસક વિરોધપ્રદર્શન દરમિયાન 90થી વધારે લોકોની ધરપકડ

બ્રિટનમાં ઘોર દક્ષિણપંથી રાજકીય વિચારધારાના સમર્થકોનાં ઇમિગ્રેશનની વિરોધમાં પ્રદર્શનો હિંસક થયાં બાદ શનિવારે 90થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
 
આ પહેલાં હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માનચેસ્ટર, બ્લૅકપૂલ અને બેલફાસ્ટમાં દુકાનોને લુટવામાં આવી અને પોલીસ અધિકારીઓ પર પણ હુમલાઓ થયા હતા. જોકે, બધા જ પ્રદર્શનકારીઓ હિંસક નહોતા.
 
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે વાયદો કર્યો છે કે નફરત ફેલાવવાનો પ્રયત્ન કરનાર ઉગ્રવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકાર પોલીસને સંપૂર્ણ સમર્થન આપશે.
 
મહત્ત્વપૂર્ણ છે કે સાઉથપોર્ટના મર્સીસાઇડમાં સોમવારે ટેલર સ્વિફ્ટ થીમ પાર્ટીમાં થયેલી ત્રણ છોકરીઓની હત્યા પછી તણાવપૂર્ણ સ્થિતિ છે.
 
પ્રદર્શન દરમિયાન લિવરપૂલમાં પોલીસ પર ઇંટો, બૉટલો અને ફ્લેયર ફેંકવામાં આવ્યાં હતાં. એક પોલીસ અધિકારી પર ખુરશી ફેંકવામાં આવી હતી જેને કારણે તેને ઇજા થઈ હતી. બીજા પોલીસકર્મીઓને લાત મારીને બાઇક પરથી પાડી દેવાયા હતા.
 
મર્સીસાઇડ પોલીસે પુષ્ટિ કરી છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે કહ્યું, "બે પોલીસ કર્મચારીઓને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એક કર્મચારીનું નાક અને બીજા કર્મચારીનું જડબું તૂટી ગયું હોય તેવી શંકા છે."
 
મર્સીસાઇડ પોલીસે કહ્યું કે 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 
બ્રિટનની સરકારના મંત્રીઓની શનિવારે થયેલી બેઠકમાં વડા પ્રધાન કિએર સ્ટાર્મરના પ્રવક્તાએ કહ્યું હતું, "વડા પ્રધાને પ્રદર્શન કરી રહેલા લોકોને કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અને આપણે જે હિંસા જોઇ રહ્યા છીએ એ બંને અલગ છે."
 
વડા પ્રધાને કહ્યું હતું કે સરકાર જરૂરી કાર્યવાહી કરવા માટે પોલીસનું સમર્થન કરશે.