બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 30 જાન્યુઆરી 2022 (16:39 IST)

શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ- કોરોના વાઇરસ : મહામારી પછી શિક્ષણની દુનિયા કેટલી બદલાશે?

ચેસનાં શિક્ષક અનુરાધા બેનીવાલ તેમનો સમય યૂકે અને ભારત વચ્ચે પસાર કરે છે, જેમાં તેઓ બે અલગઅલગ ખંડોમાં ફેલાયેલા વિદ્યાર્થીઓની એક વિશાળ શ્રેણીને ચેસ શીખવે છે.
 
ભારતના કોઈ દૂરના આદિવાસી વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલમાં ભણતાં અનેક મૂળભૂત સુવિધાઓથી વંચિત બાળકોથી લઈને લંડનની ઉચ્ચવર્ગની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શીખવાડવાનો તેમનો અનુભવ કોવિડ-19ની મહામારી બાદ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
 
ભારતમાં કોરોના મહામારી પછીના સમયમાં દેશના અલગ-અલગ ભાગો વચ્ચે ડિજિટલ સંસાધનોની ઉપલબ્ધતાની અસમાનતા શિક્ષણના ક્ષેત્રમાં પણ મોટો પડકાર સાબિત થઈ છે.
કોરોના મહામારી પછી સ્કૂલોમાં કેવી રીતે ભણાવાશે?
લંડનથી ટેલિફોન ઉપર આપેલા ઇન્ટરવ્યૂમાં કોરોનાવાઇરસે કઈ રીતે વર્તમાન શિક્ષણનીતિઓ વિશે તમામ શિક્ષણવિદોને ફેરવિચારણા કરવા અને ફરીથી ઘડવા માટે મજબૂર કર્યા છે એનો બેનીવાલ ઉલ્લેખ કરે છે.
 
"હું લંડનમાં ઝૂમ (વીડિયો મીટિંગ માટેની ઍપ્લિકેશન) પર વધુમાં વધુ આઠ વિદ્યાર્થીઓને ભણાવું છું. અહીં મોટાભાગનાં બાળકો પાસે તેમના પોતાના ઓરડા છે, મજબૂત ઇન્ટરનેટ છે, લૅપટૉપ અને ટૅબ્લૅટ્સ સહિત એકથી વધુ સ્ક્રિન્સ છે અને તેઓ ટેકનૉલૉજી સાથે વધુ સહજ છે."
 
દિલ્હીમાં જ્યાં ઘણી શાળાઓ અને મહાવિદ્યાલયોએ ઑનલાઇન શિક્ષણને અપનાવી લીધું છે, એ શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ માટે આ અનુભવ મિશ્ર પ્રકારનો રહ્યો છે
સ્ક્રિન પર શિક્ષણ
દિલ્હીસ્થિત અશોકા યુનિવર્સિટીના પ્રધ્યાપક સાયકત મજુમદાર કહે છે, "મોટા ભાગે ઑનલાઇન શિક્ષણ તરફનો બદલાવ અમારે માટે લગભગ સરળ રહ્યો હતો. ઉનાળુ રજાઓ દરમિયાન જ લૉકડાઉન અમલમાં આવ્યું અને આ રજાઓ પછી તરત જ અમે ઑનલાઇન પદ્ધતિ તરફ વળી ગયા. બધા વર્ગો ગૂગલ મીટ્સ (અગાઉ ગૂગલ હૅંગઆઉટ્સ) કે ઝૂમ પર લેવાતા હતા."
 
પરંતુ તે સાથે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો એક નાનો સમૂહ એવો પણ છે જેમને ઇન્ટરનેટની સમસ્યા છે, ખાસ કરીને કાશ્મીર અને અન્ય સુદૂર વિસ્તારોના વિદ્યાર્થીઓ.
 
દેશની મોટાભાગની અગ્રણી ખાનગી શાળાઓ ઝૂમ ક્લાસીસ તરફ વળી ગઈ છે, પરંતુ વાલીઓ કહે છે કે આ એક કામચલાઉ વચગાળાની વ્યવસ્થાથી વધુ કંઈ નથી.
 
પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે શાળાએ જતાં બે બાળકોના પિતાએ કહ્યું કે,"મારાં બાળકોને નિયમિત પણે ઝૂમ ક્લાસીસ ભરે છે, પરંતુ ઑનલાઇન શિક્ષણના અનુભવની ગુણવત્તા ઠીક પ્રકારની છે. આમાં વ્યક્તિગત ધોરણે થતી કેળવણીનો મુદ્દો ઊઠે છે."
 
આ જ અનુભવ તે બધાનો હતો જેમની સાથે મેં વાત કરી - શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ. આ મહામારીએ કૅમ્પસના અનુભવને બદલી નાખ્યો છે.
 
"મોટેભાગે અમારું હવે પછીનું સૅમેસ્ટર ઑનલાઇન હશે. અમે વિદ્યાર્થીઓને કોર્સનું મટીરિયલ ઑનલાઇન આપી રહ્યા છીએ," સાઈકત કહે છે, "જોકે આ વિજ્ઞાનના મૂળભૂત વિષયો માટે થોડું પડકારરૂપ બની શકે, કારણ કે તેમના માટે નિયમિતપણે લૅબોરેટરીની જરૂરિયાત હોય છે."
 
શાળાઓ અને યુનિવર્સિટીઝે એનો પણ રસ્તો શોધી રહ્યા છે કે જ્યારે શૈક્ષણિક કામગીરી ફરી શરૂ થશે, ત્યારે કઈ રીતે કાર્ય થશે. સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્ત્વનું રહેશે અને શિક્ષણસંસ્થાઓ મોટા ભાગે યુરોપ, સાઉથ કોરિયા અને ચીનમાં શાળાઓ જે રીતે શરૂ થઈ એમાંથી પ્રેરણા લેશે.
 
કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને કાચના પાર્ટીશનથી અલગ પાડ્યા. ક્યાંક વિદ્યાર્થી જ્યારે પણ શાળાના વર્ગ કે ઇમારતમાં પ્રવેશે ત્યારે તેમના તાપમાનનાની તપાસ ફરજિયાત બનાવાઈ, પરંતુ ભારત જેવા સામાજીક અને આર્થિક રીતે આટલા વૈવિધ્યસભર દેશ માટે શિક્ષણનું ભવિષ્ય અલગ-અલગ વિદ્યાર્થીઓ માટે કદાચ જૂદું હશે.
 
શાળાનું નવું સ્વરૂપ
ઑનલાઇન શિક્ષણ ભલે એક નવો ટ્રૅન્ડ હોય પણ અનેક સુવિધાઓથી વંચિત વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ની પ્રક્રિયા કેટલી બદલાશે?
"ઘણી વિદ્યાર્થિનીઓ માટે શાળા તેમના કઠિન ઘરેલુ જીવનના સકંજામાંથી મુક્તિનો માર્ગ હતી," અનુરાધા જણાવે છે, "શિક્ષા ઉપરાંત તેમને માટે શાળાનો અર્થ હતો મિત્રો, વાતચીત અને મધ્યાહન ભોજન. જે બધું જ હવે તેઓ ગુમાવતી જણાય છે."
 
તો તમારે જ્યાં અનુરાધાએ ભણાવ્યું એવા ઝારખંડ અને હરિયાણાનાં અંતરિયાળ ગામડાંમાં પણ જવાની જરૂર નથી. નવ વર્ષનાં રાની રાજપૂતએ દક્ષિણ દિલ્હીની સીમા પર આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમનાં માતા રાધા રાજપૂતે બીબીસીને જણાવ્યું કે બાળક લૉકડાઉન શરૂ થયું ત્યારથી ઘરમાં નિષ્ક્રિય બેઠું છે.
 
રાધા કહે છે, "અમે કામની શોધમાં ઉત્તર પ્રદેશથી દિલ્હી આવ્યા. મારા પતિ રીક્ષા ચલાવે છે અને હું બીજાના ઘરોમાં કામ કરું છું. અમે સાંભળ્યું છે કે મોટી શાળાઓનાં બાળકો કમ્પ્યુટર ઉપર શિક્ષણ મેળવે છે."
 
"પરંતુ અમારી પાસે તો સ્માર્ટફોન પણ નથી. લૉકડાઉનની શરૂઆતમાં બંધ થયા પછી મારી પુત્રીની શાળા તરફથી પણ કોઈ સૂચના નથી. તે આખો દિવસ અમારા એક ઓરડાના નાના ઘરમાં બંધ રહેવાને કારણે અકળામણ અનુભવે છે."
 
રાધા અને અનુરાધાની વાત વચ્ચે, કોવિડ પછીના વિશ્વમાં શિક્ષણના ભવિષ્ય અને માળખાના પડકારો ઉઘાડા દેખાય છે.
 
કેટલીક ચુનંદી શહેરી શાળાઓમાં ચાલી રહેલા ઑનલાઇન વર્ગોની પહોંચ અને ઉપલબ્ધતાથી આગળ વધીને કોવિડની મહામારી દેશભરમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શિક્ષણને પહોંચાડવાના નવા રસ્તાઓ શોધવા શિક્ષણવિદોને મજબૂર કરી રહી છે.
 
સામાજિક શિક્ષણના પ્લૅટફૉર્મ ઇકોવેશનના સ્થાપક રિતેશ સિંઘ કહે છે, "ઑનલાઇન શિક્ષણ તો અહીં રહેશે જ, પરંતુ તે શાળાઓની જગ્યા ક્યારેય ન લઈ શકે."
 
રિતેશે શિક્ષણ માટે 'ઉન્નયન' ઍપ વિકસિત કરવા બદલ વડા પ્રધાનનો નવી શોધ માટેનો અવોર્ડ પણ જીત્યો હતો. આ ઍપ આઠ ભારતીય રાજ્યોમાં લગભગ 12 લાખથી પણ વધુ વિદ્યાર્થી દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 
"તેઓ ઉમેરે છે કે જો આપણે ઑનલાઇન શિક્ષણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવી હોય તો આપણે દરેક વિદ્યાર્થી માટે તેને 'પરિપેક્ષ તથા વ્યક્તિગત' રીતે ઢાળવું પડશે."
 
"દાખલા તરીકે, દિલ્હીમાં રહેતા વિદ્યાર્થી માટે જે વીડિયો ટ્યુટોરિયલ્સ તૈયાર કરવામાં આવ્યા હોય, તો તે બાડમેર કે લાતેહારના કોઈ ગામડાંમાં ભણતું બાળક તેની સાથે અનુસંધાન નહીં સાધી શકે."
 
રિતેશ તથા તેમની ટીમ પ્રાદેશિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અભ્યાસસામગ્રી તૈયાર કરી રહ્યાં છે. ઉન્નયનનો વિચાર 'મારો મોબાઇલ, મારું વિદ્યાલય'માં માને છે. તે વિદ્યાર્થી/વિદ્યાર્થિનીના અભ્યાસનો તબક્કો કે સમજણશક્તિનું મૂલ્યાંકન કરે છે અને તેના આધારે આગળ ભણાવે છે.
 
ગુજરાતમાં દલિતો સાથે 'આભડછેટ' કરતી રામપાત્રની પ્રથા શું છે?
મોબાઇલ, ટીવી અને 'ઍપ્લિકેશન'
શિક્ષણ
પણ મુખ્ય સવાલ છે - કોવિડ-19 પછીની સ્થિતિમાં મોબાઇલ ઍપ્લિકેશન આધારિત શિક્ષણવ્યવસ્થા ભારતના વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચશે? તેઓ સ્માર્ટફોન કે ઇન્ટરનેટ જેવી સુવિધા નથી ધરાવતા.
 
આથી રિતેશ તથા તેમની ટીમે ટીવી ફૉર્મેટ અપનાવ્યું. તેમણે અભ્યાસ માટે એપિસોડ તૈયાર કરીને બ્રૉડકાસ્ટિંગના સ્તરનું મૉડલ તૈયાર કર્યું છે. અનેક રાજ્યોમાં આ એપિસોડ પ્રસારિત થાય છે.
 
રિતેશ કહે છે, "તા. 20મી એપ્રિલથી ડીડી બિહાર અને ઝારખંડ ઉપર ધો. 9થી ધો. 12ના અભ્યાસવર્ગો પ્રસારિત થઈ રહ્યાં છે. લોકોનો પ્રતિસાદ એટલો સારો છે કે અમે માધ્યમિક શાળા માટેની સામગ્રી તૈયાર કરી રહ્યા છે."
 
તેઓ ઉમેરે છે, "અમે રાજસ્થાન સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જ્યાં તાજેતરમાં ધો. છ થી ધો. 12 માટેના અભ્યાસવર્ગ શરૂ થયા છે."
 
કેટલીક વ્યવહારિક સમસ્યા પણ છે, જેમ કે વિદ્યાર્થીઓને ટીવી સામે બેસાડી રાખવા. આ સિવાય ટીવીની ઉપલબ્ધતા, ઘરનું વાતાવરણ તથા ધ્યાનકેન્દ્રિત કરવામાં સહજતા પણ સમાવિષ્ટ છે.
 
ગુજરાતના ચિકોદરા ગામ ખાતે કન્યાવિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં છાયાબહેન કહે છે, "ભવિષ્યમાં અમે વૉટ્સઍપના માધ્યમથી વિદ્યાર્થિનીઓ સુધી પહોંચવા માગીએ છીએ અને આ રીતે જ અભ્યાસ માટેની સામગ્રી મોકલવા માગીએ છીએ, પરંતુ અમે માત્ર 30 ટકા વિદ્યાર્થિનીઓ સુધી જ પહોંચી શકીએ છીએ."
 
"મારી શાળામાં 380 વિદ્યાર્થિનીઓ નોંધાયેલી છે, જેમાંની મોટા ભાગની છોકરીઓ સંપન્ન ઘરની નથી. તેમના વાલીઓ પાસે સ્માર્ટફોન નથી અને તેઓ સંતાનોના શિક્ષણ માટે ખાસ ચિંતિત પણ નથી હોતાં."
 
છાયા ઉમેરે છે કે સમાજના છેવાડાના તબક્કાના વિદ્યાર્થીઓ માટે કોરોનાને કારણે "એક વર્ષનું ભણતર કે કદાચ લાંબાગાળાની શિક્ષણની તકો ગુમાવવી પડશે."
 
કોરોના વાઇરસ : છ મહિનાની જાસૂસી તપાસ બાદ વિજ્ઞાનીઓને શું મળ્યું?
શિક્ષણનું એક સ્વરૂપ આવું પણ
શિક્ષણ
આનંદ પ્રધાન માત્ર 24 વર્ષના છે, તેઓ દેશના યુવા શિક્ષણવિદોમાંથી એક છે. તેમણે પોતાના ગૃહરાજ્ય ઓડિશામાં 'ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ઑફ રૂરલ ઇનૉવેશન'ની સ્થાપના કરી છે. તેઓ માને છે કે કોવિડ-19 પછીના કાળમાં સમયને સુસંગત બની રહેવા માટે શાળાઓએ ખુદમાં અનેક ફેરફાર કરવા પડશે.
 
"ઑનલાઇન શિક્ષણએ વાસ્વિક્તા છે અને લાંબા સમય સુધી રહેશે. શાળાઓએ વિચારવું પડશે કે તેઓ બાળકના જીવનમાં કેવી રીતે સુધાર લાવી શકે છે."
 
આનંદની શાળામાં કૌશલ્યવર્ધન તથા નવીન રીતે વિચારવા ઉપર ભાર મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકઢબે ખેતી, વ્યવસાયિક સાહસવૃત્તિ તથા ડિઝાઇન થિન્કિંગ શીખવવામાં આવે છે. તેઓ માને છે કે હાલમાં આ પ્રકારના શિક્ષણની તાંતી જરૂર છે, રોજગાર મેળવવા માગનારાઓની નહીં, પરંતુ રોજગારસર્જન કરવા માગનારાઓની જરૂર છે.
 
"અમે વ્યક્તિમાં એવી વિચારસરણી કેળવવા ઉપર ભાર મૂકીએ છીએ, જે ખુદ જ સમસ્યાને પારખી શકે અને જાતે જ તેનો ઉકેલ લાવી શકે."
 
આ સાથે એ સવાલ પણ ઉઠે છે કે શાળાઓ અભ્યાસપૂરક પ્રવૃત્તિઓની ઉપર શિક્ષણ જેટલો જ ભાર કેવી રીતે આપી શકશે. બાળકો જે રીતે આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ કે સ્પૉર્ટ્સ શીખે છે, તેમાં ધરમૂળથી પરિવર્તન આવી શકે છે.
 
હજુ પણ શાળાનાં મેદાનો ઉપર વિદ્યાર્થીઓને એકલ-રમત રમતા જોઈ શકીશું, પરંતુ તેઓ મિત્રથી અંતર જાળવતા હશે અને તેમના મિત્રોએ પણ ચહેરા ઉપર માસ્ક પહેરેલા હશે.
 
શિક્ષણ
હરિયાણા રોહતક જિલ્લામાં બિજેન્દ્ર હુડ્ડા અને તેમની ટીમ ભવિષ્યના શિક્ષણનું અલગ જ ચિત્ર રજૂ કરે છે. મેહામમાં તાલુકા સ્તરે શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા બિજેન્દ્ર જણાવે છે :
 
"વૉટ્સઍપના માધ્યમથી શક્ય હોય એટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છીએ. અમે તેમને ઓડિયો-વીડિયો મોકલીએ છીએ."
 
બિજેન્દ્રના કહેવા પ્રમાણે, અનેક વિદ્યાર્થી ગરીબ પરિવારના હોય છે અને તેમના વાલી કામે જાય, ત્યારે મોબાઇલ પોતાની સાથે લઈ જાય છે. આવા વિદ્યાર્થીઓને ઑનલાઇન સામગ્રીના અભ્યાસ માટે માત્ર સાંજનો સમય જ મળે છે.
 
"અમે મોડી રાત સુધી જાગીએ છીએ અને વિદ્યાર્થીઓના શંકા-સવાલ દૂર કરીએ છીએ. અમારા શિક્ષકો પણ ઓડિયો અને વીડિયોના ઉપયોગને શીખી રહ્યા છે. આ ખૂબ જ થકવી દેનારું કામ છે, પરંતુ કોઈ વિકલ્પ નથી."
 
બિજેન્દ્ર અને તેમની ટીમે ગામડાંમાં મધ્યાહ્ન ભોજન માટેનું સીધું અને દૂધનો પાઉડર વિતરીત કરતી વેળાએ દરેક બાળકની અભ્યાસ કરવાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો.
 
"જો કોઈ બાળક સુધી ડિજિટલ માધ્યમથી શિક્ષણસામગ્રી પહોંચી શકે તેમ ન હોય તો અમે ગામના અન્ય લોકો મારફત તેના સુધી અભ્યાસસામગ્રી પહોંચે તેના માટે પ્રયાસ કરીએ છીએ."
 
તેઓ ઉમેરે છે, "જોકે હજુ પણ એક-એક બાળક ઉપર ધ્યાન આપવું પડકારજનક છે."
 
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, કોવિડ પછીના કાળમાં શાળા મોટી હોય કે નાની, તેની સામે પડકાર આવશે. શિક્ષણવ્યવસ્થા ક્રાંતિમાંથી પસાર થઈ રહી છે અને વિદ્યાર્થીઓ ઉપર તેની શું અસર થઈ છે, તે સમય આવ્યે લાંબાગાળે જ ખબર પડશે.
 
અહેવાલ - પ્રિયંકા દુબે, ઇલસ્ટ્રેશન્સ - પુનિત કુમાર