બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 એપ્રિલ 2018 (12:47 IST)

સુરત રેપ કેસમાં બાળકી પોતાની પુત્રી હોવાનો આંધ્રપ્રદેશના યુવકનો દાવો

સુરતના અતિ ચકચારી બનેલા રેપ- મર્ડર કેસમાં પોલીસને મહત્ત્વનો બ્રેક થ્રૂ મળ્યો છે. આ બાળકી આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાની વતની હોવાની પ્રબળ શક્યતા બહાર આવી છે. અહીંની પોલીસ સાથે સુરત આવેલા યુવકે બાળકી પોતાની હોવાનું ઓળખી બતાવ્યું છે. જો કે પોલીસે આ કેસમાં ઓળખ અંગે સાયન્ટિફિક પુરાવા હાથવગા કરીને આગળ વધવાની રણનીતિ અપવાની છે. બાળકીની ઓળખ થાય એ માટે પોલીસ દ્વારા દેશના તમામ રાજ્યની પોલીસને બાળકીના ફોટોગ્રાફ્સ અને તેની માહિતી મોકલી હતી.

આ માહિતીના આધારે રાજસ્થાનથી બે અને આંધ્રપ્રદેશથી એક વ્યક્તિ સુરત આવી હતી. રાજસ્થાનથી આવેલા પરિવારોએ સિવિલ હોસ્પિલના પોસ્ટ મોર્ટમ રૃમમાં બાળકીનો મૃતદેહ જોયો પરંતુ ઓળખી શક્યા ન હતાં. ત્યારબાદ મોડી સાંજે આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના મારકાપુર શહેરની પોલીસ એક વ્યક્તિને લઇ સુરત આવી હતી. આ વ્યક્તિએ પણ સિવિલના પીએમ રૃમમાં બાળકીનો મૃતદેહ જોયો હતો. બાળકીને જોતા વેંત એ યુવક હિબકે ચઢયો અને તે પોતાની પુત્રી હોવાની વાત કરી હતી. આંધ્રપ્રદેશ પોલીસે પણ આ બાળકીના મિસિંગ રિપોર્ટ પોલીસને બતાવ્યા હતાં. એ બાળકીનો ફોટોગ્રાફ્સ સુરતમાંથી મળેલા મૃતદેહ સાથે મહદઅંશે મેચ થયો હતો. ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આંધ્રપ્રદેશ પોલીસ પાસેથી   માહિતી મેળવી અને તે ક્યાંથી, કયા સંજોગોમાં લાપતા થઇ તથા સ્થાનિક પોલીસની તપાસમાં શું બહાર આવ્યું એની માહિતી મેળવી હતી. એ વ્યક્તિ પોતાની સાથે ચિંગીના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ પણ લઇને આવ્યો હતો. આધારકાર્ડ જોતા જ પોલીસની આંખોમાં ચમક આવી ગઇ હતી. આ કાર્ડના આધારે સરકારી સર્વસથી ડેટા મેચ કરી એ બાળકી ચિંગી જ છે કે કેમ એ સાબિત થઇ જાય એમ હતું.  પોલીસે પાલિકામાંથી આધારકાર્ડની કાર્યવાહી કરતી ટીમને સિવિલ બોલાવી હતી. અહીં ડેટા મેચ કરવા પ્રોસિઝર તો કરાઈ પરંતુ સફળતા મળી ન હતી. પોલીસ કમિશનર સતીશ શર્માએ આ મામલે વાત કરતાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશથી આવેલી વ્યક્તિએ બાળકી તેની પુત્રી હોવાનો દાવો કર્યો છે. તેણે મૃતદેહ જોઇને બાળકીને ઓળખી પણ બતાવી છે, તેની પાસેના પુરાવા અંગે અમે તપાસી રહ્યા છે. આખો મામલો ખૂબ સંવેદનશીલ છે. અમે રિસ્ક લેવા માંગતાં નથી. બાળકીની ઓળખ અંગેના સાયન્ટિફિક પુરાવા મેળવી આગળ વધવામાં આવશે. પોલીસ દ્વારા બાળકી અને તેના પિતાનો ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. આ બાળકી પોતાની હોવાનો દાવો કરનારા વ્યક્તિએ કહ્યું હતું કે તેણી મારકાપુર ટાઉનની બહાર આવી સરકારી શાળામાં ભણતી હતી. આ શાળાની સામે જ હોસ્ટેલ પણ છે. હોસ્ટેલમાં રહેતી અને ત્યાં જ ભણતી બાળકી ઓક્ટોબર 2017માં લાપતાં થઇ ગઇ હતી. હોસ્ટેલથી શાળાએ જવા દરમિયાન ગુમ થયેલી બાળકીને શોધવા તેમણે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે પોસ્ટર્સ પણ છપાવ્યા હતાં. પ્રકાશમ જિલ્લાના તમામ જાહેર સ્થળોએ પોલીસના સહયોગથી પોસ્ટર ચોંટાડાયા અને પેમ્ફલેટનું વિતરણ પણ કરાયું હતું. જો કે એ સમયે તેણીની ઓળખ થઇ શકી ન હતી. હવે બાળકી અંગે માહિતી મળી પરંતુ તેની સ્થિતિ જોઇ કાળજું કંપી ઊઠયું છે.