મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (14:41 IST)

નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

amit shah
બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત અને દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ કે, આપણા સૌના આરાધ્યદેવ મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના જીવન-કવનમાંથી આપણને યુગો યુગોથી પ્રેરણા મળતી રહી છે. તેમણે કહ્યું કે આજે મને ચૈત્ર સુદ-૯ ના પવિત્ર દિવસે નડેશ્વરી માતાજીનાં મેળામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
 
ગૃહમંત્રીએ BSFના જવાનોની જવાંમર્દીને બિરદાવતા કહ્યું કે બી.એસ.એફ.ના જવાનો માઈનસ ૪૦ ડિગ્રી થી લઈને પ૦ ડિગ્રી ગરમીની કઠીન પરિસ્થિતિઓમાં દેશનું રક્ષણ કરે છે.  સીમાઓ પર દૂર હજારો કિ.મી.દૂર તપતા રેગિસ્તાનમાં આપણી સુરક્ષા માટે તેઓ ખડેપગે ઊભા છે. "જીવનપર્યંત કર્તવ્ય"ના નારા સાથે દેશની સેવામાં બી.એસ.એફ. હંમેશા અગ્રેસર છે તેમ જણાવી તેમણે કહ્યું કે દેશ પર જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે બી.એસ.એફ.ના જવાનોએ જાનની બાજી લગાવી દેશસેવા કરી છે.
 
ગૃહ મંત્રીએ કહ્યું કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાને હું વંદન કરું છું  કે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. આ પ્રોજેક્ટથી પ્રવાસનના વિકાસની સાથે નવી રોજગારીનું સર્જન થશે. તેમણે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે આવનારા ૧૦ વર્ષ પછી આ વિસ્તારમાં લાખો લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા આશયથી સીમાદર્શન પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
 
ગૃહમંત્રીએ સીમાદર્શન પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.
 
તેમણે કહ્યું કે સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે.
 
આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે.
 
પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું કે, આજે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે કે પ્રવાસન વિભાગ દ્વારા ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે નડેશ્વરી માતાના સાનિધ્યમાં અધર્મ સામે ધર્મના વિજયપ્રતિક સમાન રામનવમીના પાવન અવસરે બોર્ડર ટુરિઝમના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, ઇકો ટુરિઝમ અને બીચ ટુરિઝમની જેમ બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપતા આ પ્રોજેક્ટની સફળતા સાથે પ્રવાસન ક્ષેત્ર નવી ઉંચાઇઓ સર કરશે. બાળકોમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય તે માટે સીમાદર્શન નડાબેટની મુલાકાત લેવા પ્રવાસન મંત્રીએ અપીલ કરી હતી.
 
આ પ્રસંગે  BSF જવાનો દ્વારા પરેડ અને બીટિંગ  રિટ્રીટ સેરેમની યોજવામાં આવી હતી. સાથે જ સુપ્રસિદ્ધ ગાયક પદ્મશ્રી કૈલાસ ખેર દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરાયા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઇ પટેલ અને દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડ્યા, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ટૂરિઝમ વિભાગના સચિવ હારિત શુક્લા, કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે સહિત બીએસએફના ઉચ્ચ અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.