રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 23 ડિસેમ્બર 2017 (12:40 IST)

ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ ત્રણમાંથી કોઈએ એકની પસંદગી થઈ શકે

ગુજરાતમાં ફરી એક વખત ભાજપ સત્તામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલની પસંદગી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યાં મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને મંત્રીપદ આપવામાં આવશે અને તેમનાં સ્થાને અન્ય નેતાઓને બેસાડવાની ચર્ચા ચાલી રહી છે જેમાં શંકર ચૌધરી, પ્રદીપસિંહ જાડેજા અને આઈ.કે. જાડેજાનું નામ મોખરે છે. શંકર ચૌધરી ભાજપ સરકારમાં મંત્રીપદ ધરાવતાં હતાં જો કે આ વખતે વાવ બેઠક પર કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર સામે ચુંટણી હારી ગયાં છે.

શંકર ચૌધરી ઓબીસી સમાજમાં મજબુત પક્કડ ધરાવે છે જેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે છે. આ ઉપરાંત બનાસ ડેરીમાં પણ તેમનું વર્ચસ્વ રહેલું છે જેને કારણે સહકારી ક્ષેત્રે પણ મજબુત નેતા તરીકે ઉભરી આવ્યાં છે. હાલ ભાજપ પાસે કોઈ મોટો ઓબીસી ચહેરો ના હોવાને કારણે શંકર ચૌધરીને આ તક મળી શકે છે. પ્રદીપસિંહ જાડેજા પણ મંત્રી રહી ચુક્યા છે. તેઓ આ ચૂંટણીમાં વટવા બેઠક પરથી લડીને જીત્યાં હતાં. પ્રદીપસિંહ જાડેજા એક સ્વચ્છત નેતાની છાપ ધરાવે છે અને સંગઠન ઉપર પણ સારી પક્કડ જમાવી છે. આ ઉપરાંત તેઓ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુડબુકમાં પણ સ્થાન ધરાવે છે જેનો સીધો લાભ તેમને મળી શકે છે. જો કે પ્રદીપસિંહ જાડેજાને પ્રદેશ અધ્યક્ષ કરતાં મંત્રીપદ મળશે તેવું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત વધુ એક ભાજપનાં નેતા આઈ.કે. જાડેજા પણ ભાજપનાં અધ્યક્ષ તરીકે નિમણુંક પામી શકે છે. વિધાનસભાની ચુંટણીમાં વઢવાણની બેઠક પર આઇ.કે. જાડેજાને ટિકિટ મળશે તેવું માનવામાં આવતું હતું. જોકે ભાજપ દ્વારા આઇ.કે. જાડેજાની બદલે ધનજીભાઈ પટેલને ટિકિટ ફાળવી દેવામાં આવી હતી જેને કારણે તેઓ નારાજ થયાં હતાં. જો કે તેઓની નારાજગી દુર કરવાં માટે તેઓને પ્રદેશ અધ્યક્ષ બનાવાય તેવું સુત્રો જણાવી રહ્યાં છે.