શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 ઑક્ટોબર 2020 (14:45 IST)

નરેશ કનોડિયાના મોતની અફવા, પુત્ર હિતેન કનોડિયાએ કરી સ્પષ્ટતા

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારસભ્ય નરેશ કનોડિયાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નરેશ કનોડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ત્યારે  નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે હાલ તેમની તબિયત સ્થિર છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
 
નરેશ કનોડિયાના મોતની અફવા ઉડતા હિતુ કનોડિયાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, તમારી સૌની પ્રાર્થના કામ કરી રહી છે. મારા પપ્પા સ્ટેબલ છે અને યુ.એન મહેતામાં તમામ ડોક્ટર મળીને તેમની સારવાર લઇ રહ્યા છે. બસ પ્રાર્થના કરો કે તેઓ સાજા થઇને હોસ્પિટલ બહાર આવે. ખાસ કરીને અફવાઓ પર ધ્યાન આપવું જોઇએ નહી. લોકોને પણ અપીલ છે કે, આવી અફવાઓથી ન માત્ર દુર રહે પરંતુ આવી અફવાઓ પણ ન ફેલાવવામાં આવે.
 
હોસ્પિટલની તસવીર સામે આવ્યા બાદ કેટલાક લોકો દ્વારા તેમના મોતની અફવા ફેલાવવામાં આવી હતી. તેમાં પણ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ સત્ય જાણ્યા વિના ઉતાવળ કરી દીધી હતી. હિતુ કનોડિયા દ્વારા ફેસબુક પર તેમના પિતા સ્ટેબલ હોવાનો વિડીયો મુક્યાના 45 મિનિટ બાદ રૂપાલાએ ટ્વિટ કરી નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે બાદમાં ભૂલ સમજાતા તેમણે ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.
 
માર્ચ મહિનામાં ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યા બાદ નરેશ કનોડિયાએ ઢોલ વગાડતાં 'ભાગ કોરોના ભાગ, તારો બાપ ભગાડે' ગીત ગાયું હતું. તેમના આ ગીતની આખા ગુજરાતમાં ખૂબ ચર્ચા થઇ હતી.