વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલી બે શોભાયાત્રા પર એક જ વિસ્તારમાં પથ્થરમારાની બે ઘટના ઘટી છે.
બપોરે શહેરના ફતેપુરા વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી. તે સમયે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતાં પથ્થરમારો થયો હતો. ત્યાર પછી સાંજના સમયે કુંભારવાડા વિસ્તારથી શરૂ થયેલી શોભાયાત્રા ફતેપુરા રોડ પર પહોંચી તે સમયે પથ્થરમારાની ઘટના ઘટી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ ડીસીપી યશપાલ જગાણિયાના હવાલાથી લખ્યું, "વડોદરામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ સામે સ્થિતિ થોડી તંગ બની હતી. લોકોને સમજાવીને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે."
વડોદરા સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ સુરેશભાઈના જણાવ્યા પ્રમાણે, સાંજે ચાર વાગ્યા સુધીમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ નહોતી.
શું હતો સમગ્ર મામલો?
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં વિશ્વ હિંદુ પરિષદના બજરંગ દળ, કારેલીબાગ પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ભૂતડીઝાંપા નજીક એક મસ્જિદ પાસે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
સ્થાનિક પત્રકાર પાર્થ માલુસરે અનુસાર, ફતેપુરાના પાંજરીગર મહોલ્લા પાસેથી જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે કોઈક કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
તેમણે કહ્યું, "બોલાચાલીની ગણતરીની મીનિટોમાં જ પથ્થરો ફેંકાવાના શરૂ થઈ ગયા હતા. જોકે, આ પથ્થર કોણે ફેંક્યા અને ક્યાંથી આવ્યા તે અંગે કંઈ સ્પષ્ટ નથી."
તેમના કહેવા પ્રમાણે, આ ઘટનામાં કેટલાંક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
ઘટના બાદની પરિસ્થિતિ વિશે માલુસરે જણાવ્યું "હાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત છે. જૉઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા."
વડોદરામાં રામનવમી નિમિત્તે હજુ કેટલીક શોભાયાત્રાઓ નીકળવાની હોવાથી પોલીસ તાત્કાલિક ઍક્શનમાં આવી ગઈ હતી અને શહેરના સંવેદનશીલ એવા ચારદરવાજા વિસ્તારમાં પોલીસકાફલો ખડકી દેવાયો હતો.
પોલીસનું શું કહેવું છે?
શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં લોકો બૂમો પાડીને વાહનોને નુકસાન પહોંચાઈ રહ્યા હોવાનું દેખાય છે.
જોકે, પોલીસનું કહેવું છે કે આ ઘટના માત્ર બોલાચાલીની જ હતી અને તેમાં કોઈ પથ્થરમારો થયો નથી.
ડીસીપી યશપાલ જગાણિયાએ મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, "જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે તેની સાથે હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હતો. જ્યારે આ શોભાયાત્રા સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવી ત્યારે તેમનો કાફલો પણ સાથે જોડાયો હતો."
તેમણે આગળ કહ્યું હતું, "પાંજરીગર મહોલ્લા પાસે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીની જાણ થતા જ સાથે હાજર પોલીસજવાનોએ બંને પક્ષોને સમજાવ્યા હતા અને શોભાયાત્રાને આગળ વધારી હતી."
ડીસીપી જગાણિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ ઘટનામાં કોઈ પથ્થરમારો થયો નથી અને પોલીસે પણ કોઈ જાતનો બળપ્રયોગ કર્યો નથી. આ સાથે તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.