ભાજપે પાંચમી યાદીમાં ત્રણ ઉમેદવાર જાહેર કર્યાં, કોંગ્રેસમાં 38 ઉમેદવારોનું કોકડુ ગૂંચવાયું
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ ત્રણ ઉમેદવારોની પાંચમી યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકના ઉમેદવારોની વધુ એક યાદી ભાજપે જાહેર કરી છે. માણસાથી જયંતી એસ. પટેલને ટિકિટ આપવામાં આવી છે. ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઇ છે. કરજણ બેઠક પરથી બળવો કરનાર સતિશ નિશાળિયા ચૂંટણી નહીં લડે. હવે આ બેઠક પરથી ભાજપ માટે ઘાત ટળી ગઈ છે.
બીજી બાજુ કોંગ્રેસે હજી 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. તેમના માટે હવે 24 કલાકનો જ સમય બાકી રહ્યો છે.ધંધુકામાં રાજુભાઈ ગોહિલને રિપીટ કરો તેવી માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય સમાજના વ્યક્તિને ટીકિટ આપવાનો કારસો રચાયો હોવાનો કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. રાજુભાઈ ગોહિલને ટીકિટ નહીં મળે તો કોળી સમાજ, મુસ્લિમ સમાજ અને અન્ય સમાજ કોંગ્રેસને બતાવી દેશે. બીજી તરફ અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ ઉમેદવારી ફોર્મ ભરવા રેલી યોજી હતી.
ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ આજથી ફોર્મની ચકાસણી શરૂ થશે. આજથી ઉમેદવારોના ફોર્મની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પાછા ખેંચવા પૂર્વે નડતરૂપ અપક્ષોને હટાવવા રાજકીય પક્ષોએ કવાયત શરુ કરી દીધી છે. કારણકે 17 તારીખ સુધી પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે.