રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2023 (11:35 IST)

ભારતીય સેનામાં ‘અગ્નિવીર’ તરીકે જોડાઇને કારકિર્દી બનાવવાની ઉત્તમ તક, આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારોને બોનસ ગુણ અપાશે

ગુજરાત સહિત ભારતના યુવક-યુવતીઓ સેનામાં જોડાઇને દેશ સેવા ક્ષેત્રે પોતાની ઉત્તમ કારકિર્દી બનાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘અગ્નિવીર’ યોજના શરૂ કરવામાં આવી છે. આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારો પણ ભારતીય સેનામાં અગ્નિવીર’ તરીકે જોડાઇ શકે તે માટે તાજેતરમાં ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આઇ.ટી.આઇ.પાસ ઉમેદવારોને બોનસ ગુણ આપીને પસંદગી કરી ભરતી કરવામાં આવનાર છે. જેમાં ભારત સરકાર માન્ય આઇ.ટી.આઇ.માંથી એક વર્ષનો કોર્સ કર્યો હોય તેને ૩૦ બોનસ ગુણ, બે વર્ષનો કોર્સ કર્યો હોય તેને ૪૦ બોનસ ગુણ તેમજ ડિપ્લોમા ધારકને ૫૦ બોનસ ગુણ આપવામાં આવશે.  
 
જેના ભાગરૂપે ઝોનલ રિક્રુટમેન્ટ ઓફિસ પુણે દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના યુવક-યુવતીઓ માટે આર્મી રિક્રુટમેન્ટ રેલી ૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે તા.૦૫ અને ૨૯ ઓગસ્ટ-૨૦૨૩ દરમિયાન રિક્રુટમેન્ટ રેલી યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૩ સુધીમાં joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી-નોંધણી કરાવવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટેની તમામ પ્રક્રિયાની માહિતી વેબસાઇટ ઉપર વિગતવાર મૂકવામાં આવી છે.
 
સેનામાં ભરતી થવા માંગતા ઉમેદવારોને કોમ્પ્યુટર આધારિત કોમન એન્ટ્રન્સ એક્ઝામ (સીઇઇ) માટે મદદ મળી રહે તે હેતુથી ઓનલાઇન વીડિયો, સેમ્પલ પ્રશ્નપત્રો હેલ્પ-ડેસ્ક વગેરે વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે.  આગામી તા.૧૭ એપ્રિલ થી ૦૪ મે-૨૦૨૩ દરમિયાન ઓનલાઇન કોમ્પ્યુટર બેઇઝ્ડ સીઇઇ રાજ્યોના વિવિધ આઇઓસી કેન્દ્રો ઉપર યોજવાનું આયોજન છે.  
 
ઉમેદવારે ઓનલાઇન નોંધણી સંબંધિત કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા માહિતી મેળવવી હોય તો joinindianarmy.nic.in વેબસાઇટ પર અને સીઇઇ ટેસ્ટ સંબંધિત કોઇ પ્રશ્ન હોય તો [email protected] પર મેઇલ કરીને વિગતો મેળવી શકશે. આ ઉપરાંત હેલ્પ ડેસ્ક નંબર ૭૯૯૬૧ ૫૭૨૨૨ ઉપર સંપર્ક કરી શકાશે. આ ભરતીમાં મહત્તમ યુવક-યુવતીઓ જોડાઇને દેશ સેવામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપે તેમ એડીશનલ ડાયરેક્ટર જનરલ (સ્ટેટસ), હેડ ક્વાર્ટર્સ રિક્રુટમેન્ટ ઝોન, પૂણે કેમ્પની યાદીમાં જણાવાયું છે.