રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2024 (13:36 IST)

ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમનો સમય પુરો, હવે પાર્ટ 2 માં ગુજરાતની દરેક બેઠક પર ભાજપનો વિરોધ કરશે

Purushottam Rupala protest
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલાએ કરેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમી નથી રહ્યો.
 
ક્ષત્રિય સમાજના આગોવાનોની માંગણી હતી કે પરશોત્તમ રૂપાલા રાજકોટની બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચે. જોકે, પરશોત્તમ રૂપાલાએ રાજકોટથી પોતાનું ઉમેદવારીપત્રક ભરી દીધું છે.
 
અહીં ઉલ્લેખનીય છે કે આ વિવાદનો ઉકેલ લાવવા માટે થોડાક દિવસો પહેલાં ક્ષત્રિય સમાજના આગોવાનો સાથે મુખ્ય મંત્રી નિવાસસ્થાને એક બેઠક મળી હતી. જોકે, આ બેઠકમાં પણ કોઈ સકારાત્મક ઉકેલ ન મળતા ક્ષત્રિય સમાજની અલગ-અલગ સંસ્થાઓની સમિતિએ આજે અમદાવાદ ખાતે બેઠક યોજી હતી.
 
રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ 19 એપ્રિલે અમદાવાદ ખાતે કરેલી બેઠક બાદ ગુજરાતની દરેક બેઠક પર ભાજપનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
 
આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ગુજરાત ગામડાંમાં સભાઓ કરીને ભાજપની વિરુદ્ધ મતદાન કરાવવા માટે સમાજનો લોકોને આહવાન કરવા માટે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
 
આ ઉપરાંત સમાજની મહિલાઓ દરેક જિલ્લાઓમાં એક દિવસનો પ્રતીક ઉપવાસ કરશે.
 
સંકલન સમિતિએ 22 એપ્રિલથી ગુજરાતના પાંચ ઝોનમાં અલગ-અલગ ધાર્મિકસ્થળો પરથી ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવાની પણ વાત કરી છે.
 
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થશે. ઉમેદવારો માટે ફૉર્મ ભરવાની અંતિમ તારીખ 18 એપ્રિલ હતી. કોઈપણ ઉમેદવાર 22 એપ્રિલ સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે.
 
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપે આ પહેલા વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલ્યા હતાં.
 
રાજકોટ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણી ભાજપના પરશોત્તમ રૂપાલાને ટક્કર આપશે.