ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (16:57 IST)

ગુજરાતમાં 24 કલાકમાં 6 લોકોના હાર્ટ એટેકથી મોત

heart attack in gujarat
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં હાર્ટ એટેકના 3 અને સુરતમાં 2 બનાવ સામે આવ્યા છે. રાજકોટના ત્રણ બનાવમાં શહેરના 2 અને જિલ્લાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણમાં તબીબ દ્વારા હાર્ટ-એટેકથી મોત થયાનું જણાવ્યું હતું. જ્યારે સુરતમાં પણ બે વ્યક્તિના હાર્ટ-એટેકથી મોત નીપજ્યા છે. જેમાં એકનું ઊંઘમાં જ હૃદય બંધ પડી ગયું હતું અને બીજાને ચાલુ બાઈકે છાતીમાં દુખાવો ઉપડતા મોત થયું હતું.

જ્યારે વડોદરામાં સ્વિમિંગ બાદ વૃદ્ધ ઢળી પડ્યા હતા અને મોત નીપજ્યું હતું. જેનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. રાજકોટના આજીડેમ ચોકડી પાસે સુંદરમ પાર્કમાં રહેતાં જગદીશભાઈ દાનભાઈ બોસિયા સવારે 4 વાગ્‍યે એકાએક બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.અહીં તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાયો હતો. મૃત્‍યુ પામનાર જગદીશભાઈ છૂટક મજૂરી કરતાં હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.રાજકોટ જિલ્લાના જસદણના દહીંસરામાં રહેતાં જેરામભાઈ લક્ષ્મણભાઈ બારૈયા ગત સાંજે રાજકોટના કોઠારિયામાં રહેતાં ભત્રીજા રસિકભાઈ બાવજીભાઈ બારૈયાના ઘરે મળવા આવ્યા હતા. રાત્રિના એકાદ વાગ્‍યે એકાએક બેભાન થઈ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. જેરામભાઈ ખાનગી કંપનીમાં સફાઈનો કોન્‍ટ્રાક્‍ટ રાખતાં હતા. તેઓ ચાર ભાઈ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં આજે સવારે જતીનકુમાર શાહ સ્વિમિંગ કરવા આવ્યા હતા. જ્યાં શાવર લેતી વખતે અચાનક તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. અહીં હાજર અન્ય સ્વીમરો તથા એક તબીબી સ્વીમરે એમને સીપીઆર આપ્યું હતું. પરંતુ તેઓનો કોઈ રિસ્પોન્સ જણાયો નહોતો. હાજર સ્વિમિંગ પુલના કોચ અને અન્ય સ્વીમરોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઢળી પડેલા જતીનકુમાર શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું હાજર તબીબે જણાવ્યું હતું. વૃદ્ધનું મોત હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.