Dehgam News - દહેગામમાં ગણેશ પંડાલમાં બુટલેગરે ગાડીથી તોડફોડ કરી, લોકો પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો
આજે ગણેશ વિસર્જનનો દિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી છે. ડાયરાના કાર્યક્રમને લઈને પાર્કિંગ મામલે માથાકૂટ થતાં મામલો વધુ બિચક્યો હતો. ત્યાર બાદ ટોળાએ ગણેશ પંડાલ અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં પાંચેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડ્યું છે.
દહેગામમાં સરદાર શોપિંગ સેન્ટરમાં આયોજિત ગણેશ પંડાલમાં મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે અહીં તૈયાર કરાયેલા પંડાલમાં ડાયરાનું આયોજન કરાયું હતું. ડાયરો હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. આ દરમિયાન બે યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને બાદમાં કેટલાક તોફાની તત્વોએ પંડાલમાં તોડફોડ કરીને ગાડીઓના કાચ તોડી નાંખ્યા હતાં. સૌથી મોટી વાત એ હતી કે ડાયરાના કાર્યક્રમમાં એક બુટલેગરે પોતાની ગાડી લોકો પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ગાડીથી પંડાલમાં તોડફોડ કરીને આખો મંડપ તોડી નાંખ્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્થાનિક લોકોના નિવેદનો લઈને વધુ તપાસ હાથ ધરી છે.