Loksabha Election 2024 - રંજનબેન ભટ્ટે વડોદરા લોકસભાની ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી
BJP MP Ranjan Bhatt withdraws candidacy from Vadodara
વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેમના સોશિયલ મીડિયાના X હેન્ડલ, ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન... ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.
રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે.વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું ત્યારથી વડોદરા શહેર-જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાનાં માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. એ બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્ર
ણ દિવસ પહેલાં શહેરના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપાનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યાં હતાં. જોકે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બેનરો લગાવનારા કોંગ્રેસના કાર્યકરો હરીશ ઉર્ફ હરી ઓડ, ધ્રુવિત વસાવા સહિત ત્રણની ચૂંટણી આચારસંહિતાના ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી.સંગમ સોસાયટી પાસે લાગેલા બેનરમાં લખ્યું હતું કે 'સત્તાના નશામાં ચૂર 'ભાજપા' શું કોઈને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય, કેમ કે જનતા મોદી પ્રિય'. જ્યારે શ્રી વલ્લભ પાર્ક સોસાયટી પાસે એક બેનર લગાવાયું હતું, જેમાં લખ્યું હતું કે 'વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામા? જનતા માગે છે તપાસ'. તો ઝવેરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનરમાં 'મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં...' જેવાં વિવિધ લખાણોવાળાં બેનરો લાગ્યાં હતાં.