ડીસામાં ચાર શખ્સોએ અરજગરને જીવતો સળગાવ્યો, વન વિભાગે 2ને ઝડપી પાડ્યા
બનાસકાંઠામાં અજગરની જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના બોડાલ ગામે અજાણ્યા શખ્સો દ્વારા અજગરને પકડી તાપણામાં જીવતો ફેંકી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો હાલ વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વન વિભાગ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે ત્યારે આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ પોતાના ખભા પર અજગર મુકીને ઉભો હતો. તે દરમિયાન શખ્સની આસપાસ ઉભેલા વ્યક્તિઓએ તેની પ્રશંસા કરી રહ્યાં હતા. ત્યારે અચાનક તે શખ્સે અજગરને પોતાના ખભા ઉપરથી ઉતારી નીચે જમીન પર સળગી રહેલી આગામાં ફેંકી દીધો હતો. ત્યારે અજગર આગમાંથી હેમખેમ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જો કે, આ વીડિયો વાયરલ થયા બાદ ડીસાથી વનવિભાગની ટીમે સ્થાનિક લોકો સાથે ઘટના સ્થળ પર વીડિયોની ખરાઇ કરી હતી અને ત્યારબાદ ફરિયાદ નોંધી હતી. આ કિસ્સામાં ફરાર થયેલા ચાર શખ્સોમાંથી બે શખ્સોની ધરપકડ કરવામાં આી છે. ત્યારે વનવિભાગ હજી પણ બે શખ્સોની શોધખોળ કરી રહ્યા છે કે, જેમણે આ અમાનવીય કૃત્ય કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, અજગર ખૂંખાર સરીસૃપની યાદીમાં આવે છે પરંતુ તેને જીવતો સળગાવવો એ ગુનાહિતકૃત્ય છે. ઝડપાયેલા શખ્સો પાસેથી કારણ જાણવા મળ્યું નથી કે તેમણે શા માટે અજગરને જીવતો સળગાવ્યો હતો. આ વીડિયો બાદ રાજ્યના વન્ય પ્રેમીઓમાં ફિટકારની લાગણી વ્યાપી છે.