મોલ-મલ્ટીપ્લેકસ-કોમર્શિયલ કોમ્પ્લેકસમાં મર્યાદિત પાર્કિંગ ચાર્જની છૂટ
મોલ-મલ્ટીપ્લેકસમાં પાર્કિંગ ફીના મુદે ચાલી રહેલા વિવાદમાં સર્વોચ્ચ અદાલત હાલ તુર્ત આ કેટેગરીના સ્થળો પર વ્યાજબી પાર્કિંગ ફી સેવાની છૂટ આપવાની સાથે આ મુદે વિસ્તૃત નીતિ ઘડવા માટે રાજય સરકારને નોટીસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની ખંડપીઠે મોલ-મલ્ટીપ્લેકસ અને કોમર્શિયલ કોમ્પ્લેકસ જે વ્યાપારી કે જયાં લોકો એકત્રીત થતા હોય તેને જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (જીડીસીઆર) ના નિયમ 7.4 ના વર્ગમાં આવતા હોય તેમાં પ્રથમ એક કલાક માટે ફ્રી પાર્કિંગ અને ત્યારબાદના સમયમાં વ્યાજબી દરે પાર્કિંગ ફી વસુલી શકશે. સુપ્રીમ કોર્ટે આ માટે મર્યાદા પણ બાંધી છે. જેમાં ટુ વ્હીલર માટે પ્રતિદિન રૂા.10 અને ફોર વ્હીલર માટે પ્રતિદિન રૂા.30થી વધુ હશે નહી. જો કે આ મુદે રાજય સરકાર કે જેણે ફરજીયાત ફ્રી પાર્કિંગનો નિયમ લાગુ કર્યો છે. તેને સાંભળવા તા.19 નવે.ની તારીખ નિશ્ર્ચિત કરી છે.
ગુજરાત હાઈકોર્ટ પણ વ્યાપારી સ્થળો પર ફ્રી-પાર્કિંગનો આદેશ આપ્યો હતો પણ તેની સાથે સુરતના રાહુલ રાજ કો-ઓપરેટીવ સર્વિસીસ લી. એ સુપ્રીમમાં અરજી કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે હાલના કાયદા તમામ મોલ-મલ્ટીપ્લેકસ-કોમર્શિયલ કેટેગરીના કોમ્પ્લેકસને પાર્કિંગ ચાર્જ લેવાની છૂટ આપતા નથી. અગાઉ હાઈકોર્ટની સિંગલ જજ ખંડપીઠે પાર્કિંગ ચાર્જને વાજબી ગણાવ્યો હતો અને તેણે દ્વીચક્રી વાહનો માટે પ્રથમ કલાક બાદ રૂા.10 અને ફોર વ્હીલર માટે રૂા.30ના ભાવ નિશ્ર્ચિત કર્યો હતો જેને ડિવીઝન બેન્ચે રદ કર્યો હતો. મોલ સંચાલકની દલીલ હતી કે તે જયુ.ઓથોરીટીને રૂા.4.50 લાખનો ટેક્ષ વર્ષે આપે છે જે પે-એન્ડ પાર્ક પરનો ચાર્જ છે. લોકો ફ્રી પાર્કિંગની સુવિધાનો ગેરઉપયોગ કરે છે અને જે મોલના ગ્રાહકો નથી તે આ પ્રકારની પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરે છે.