ભાજપ ચૂંટણી પ્રચાર માટે હવે જાદુગરોના સહારે
ગુજરાત વિધાન-સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે. કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા. ૨૪મીએ ફરીવાર ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે તો ભાજપ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બંને પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઊતારવા તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ભાજપે પ્રચારની અનોખી તરકીબ અપનાવીને જાદુગરોનો આશરો લીધો છે. દરમિયાન જુદા જુદા જાદુગરો ગામડાઓમાં જાદુગરના ખેલ કરીને ભાજપનો પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે નાના-નાના જાદુગરોની ટીમ બનાવી છે. જાદુગરો દરેક ગામોમાં જાદુગરના ખેલ કરીને ભાજપનો પ્રચાર કરશે. ભાજપે પ્રચાર માટે આ અનોખી તરકીબ અપનાવી છે. દરમિયાન જાદુગરો જાદુના ખેલ સાથે ગુજરાતના વિકાસની વાતોથી ગામડાની પ્રજાને અવગત કરાવશે. ભાજપનો આ જાદુઈ ખેલ કેટલો સફળ થાય છે તેના પર આગેવાનો મીટ માંડીને બેઠા છે.