મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (16:33 IST)

અમદાવાદમાં કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.12ના વિદ્યાર્થીઓએ 9મા ધોરણના વિદ્યાર્થીને જબરદસ્તીથી યુરીન પીવડવવાનો પ્રયત્ન કર્યો

અમદાવાદમાં કોલેજોમાં રેગીંગની ઘટનાઓ વધી રહી છે. તેની સાથે હવે સ્કૂલમાં પણ રેગીંગની ઘટના સામે આવી છે. શહેરમાં વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીને તેના સિનિયર વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતાં વાલીએ પોલીસને જાણ કરી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે વસ્ત્રાપુરમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં 20 એપ્રિલે શિક્ષકો ફેરવેલ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. ત્યારે સ્કૂલના 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અન્ય જુનિયર વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરતા હતા. આવતા જતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરી રહ્યા હતા. ત્યારે 9માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને જબરદસ્તી ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ ખેંચીને બાથરૂમમાં લઈ ગયા હતા જ્યાં અગાઉથી જ એક ડબ્બીમાં યુરિન કાઢીને રાખ્યું હતું જે યુરિન ખેંચીને લાવેલા વિદ્યાર્થીને પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તેને કોઈને આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી. વિદ્યાર્થીએ આ અંગે માત્ર સ્કૂલમાં જાણ કરી હતી પરંતુ ડરના કારણે ઘરે જાણ કરી નહોતી. વિદ્યાર્થીના પરિવારને આ અંગે બહારથી જાણ થતાં તેમને વિદ્યાર્થીને પૂછયું હતું ત્યારે વિદ્યાર્થીએ પોતાની સાથે થયેલ આપવીતી જણાવી હતી. વિદ્યાર્થીએ સ્કૂલમાં કરેલી ફરિયાદ અંગે કોઈ પગલાં લેવાયા નહોતા જેથી વાલી આ અંગે સ્કૂલમાં રજુઆત કરવા ગયા હતા છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેથી વાલીએ 23 એપ્રિલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે પોલીસે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. ત્યારે સ્કૂલ તરફથી વાલીને લેખિતમાં માફી આપવા જણાવ્યું હતું પરંતુ વાલી જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે તે જ વિદ્યાર્થીઓએ પણ વાલી સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે જે જગ્યાએ બનાવ બન્યો તે બાથરૂમ બહાર CCTV કેમેરા છે. જે જોવાથી સ્પષ્ટ થશે પરંતુ સ્કૂલ દ્વારા CCTV કેમેરાના ફૂટેજ બતાવવામાં કે આપવામાં આવ્યા નથી. અમે પોલીસમાં અરજી કરી છે અને ઘટનાએ ફોજદારી ગુનો છે જેથી અમે ફરિયાદ નોંધાવીશું. આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ જિમી જેમ્સે સમગ્ર મામલો દબાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ ઘટના બની જ નથી અમારી પાસે આવી કોઈ ફરિયાદ આવી જ નથી. કોઈ ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.