મુન્દ્રા પોર્ટ પરથી DRIએ ઝડપી અંદાજિત 4 કરોડની સોપારીનો જથ્થો પકડ્યો
કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક સોપારીકાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (DRI)એ સોપારી સ્મગલિંગના વધુ એક કારસાને રંગે હાથે ઝડપી પાડ્યો છે. DRIએ દુબઈથી સ્ક્રેપ ટાયરના ઓથા હેઠળ ભારતમાં મોકલવામાં આવેલી કરોડોની સોપારી ઝડપી પાડી છે. ઝડપાયેલી સોપારીની કિંમત 4 કરોડ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલ DRI દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમે મુન્દ્રા પોર્ટના આશુતોષ કન્ટેનર ફ્રેટ સ્ટેશનમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ટીમે દુબઈથી આવેલા 10 જેટલા કન્ટેનરોની તપાસ કરી હતી. જેમાં કન્ટેનરોમાં આગળના ભાગે સ્ક્રેપ ટાયર મળી આવ્યા હતા, જ્યારે પાછળના ભાગે સોપારીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. DRIએ મુન્દ્રા પોર્ટમાં આયાત થયેલા 10 કન્ટેનરમાં ટાયર સ્ક્રેપ હોવાનું ઓન પેપર દેખાડીને તેની પાછળ મોટા પ્રમાણમાં સોપારી ઘુસાડવાના કારસાને ઉઘાડો પાડ્યો હતો. ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવતા દુબઈથી કન્ટેનરોમાં આવેલી સોપારીનું વજન 39.44 મેટ્રીક ટન હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ જથ્થો વડોદરાની પેઢીએ દુબઈથી મંગાવ્યો હતો.DRIની કાર્યવાહીમાં ઝડપાયેલી સોપારીની કિંમત 4 કરોડ આંકવામાં આવી રહી છે. તો DRIની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈમ્પોર્ટ ડ્યુટીથી બચવા માટે કોઈ વેપારીએ સ્ક્રેપ ટાયરના નામે સોપારી મંગાવી હતી.