મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 15 મે 2022 (13:58 IST)

ચેતેશ્વર પૂજારા : 8 વર્ષની ઉંમરે ઘરે બનાવેલા પૅડ અને નાનકડા બૅટથી જ્યારે ક્રિકેટની શરૂઆત કરી

ભારતીય ટેસ્ટ ટીમમાંથી જેમને લગભગ બહાર કરી દેવાયા છે તે ચેતેશ્વર પૂજારા ટીમમાં પુનરાગમન માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે.
 
ભારતમાં અત્યારે આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ ધૂમ મચાવી રહી છે ત્યારે એક ક્રિકેટર એવા છે જે ભારતની ટેસ્ટ ટીમમાં પરત ફરવા માટે ઝઝૂમી રહ્યા છે. હજી થોડા સમય અગાઉ ચેતેશ્વર પૂજારાને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બાકાત કરી દેવાયા હતા.
 
નવેમ્બર 2021માં પ્રવાસી ન્યૂઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં તેમને સાંપડેલી ઘોર નિષ્ફળતા આ માટે કારણભૂત હતી.
 
પૂજારાની સાથે સાથે અજિંક્ય રહાણેને પણ બહાર કરી દેવાયા છે, ત્યારે માત્ર રમતપ્રેમીઓએ જ નહીં પરંતુ પસંદગીકારોએ પણ બંનેની કારકિર્દી પૂરી થઈ ગઈ હોવાના સંકેત આપી દીધા હતા.
 
પરંતુ પ્રારંભથી જ કાબેલિયત ધરાવતા પૂજારાએ હજી હથિયાર હેઠાં મૂક્યાં નથી. એક તરફ આઇપીએલમાં કરોડો રૂપિયામાં ખરીદાયેલા ખેલાડીઓ પોતાની કિંમત વસૂલવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પૂજારા કાઉન્ટી ક્રિકેટમાં રમીને પોતાની કાબેલિયત પુરવાર કરી રહ્યા છે. અલબત્ત, ટેસ્ટ ક્રિકેટ માટે.
 
સૌરાષ્ટ્રના આ બૅટ્સમૅન સસેક્સ કાઉન્ટી માટે જે રીતે રનના ધોધ વરસાવી રહ્યા છે તે જોતાં સવાલ એ થાય છે કે શું પસંદગીકારો હવે તેમને અવગણી શકશે?
 
જોકે તેનો જવાબ નજીકના ભવિષ્યમાં મળવો મુશ્કેલ છે, કેમ કે ભારતીય ટીમ આગામી સમયમાં લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં વધારે રમવાની છે અને તેમાંય ઑક્ટોબરમાં ટી20 વર્લ્ડકપ આવી રહ્યો છે. આમ છતાં હાલ પૂરતી તો પૂજારાની વાત કરવી પડે તેમ જ છે.