શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2017 (11:40 IST)

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગાનું આત્મસમર્પણ

આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાના ચકચારભર્યા કેસમાં જૂનાગઢના ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આખરે સોમવારે સાબરતી જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી લેવી પડી હતી. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના જામીન તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે ફગાવ્યા બાદ તેમને તાત્કાલિક જેલ સત્તાવાળા સમક્ષ શરણે થઇ જવા પણ સુપ્રીમકોર્ટે તાકીદ કરી હતી, જેને પગલે દિનુ બોઘા સોલંકીએ આજે જેલ ઓથોરીટી સમક્ષ હાજર થઇ ગયા હતા.  ચકચારભર્યા જેઠવા હત્યા કેસમાં સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટમાં તેનો ટ્રાયલ ચાલ્યો હતો પરંતુ તેમાં મોટાભાગના એટલે કે, લગભગ ૧૦૫ સાક્ષીઓ ફરી ગયા હતા,

જેમાં મહત્વના તાજના ૨૬ સાક્ષીઓનો પણ સમાવેશ થતો હતો. જેથી જેઠવાના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી ગંભીર આક્ષેપો કર્યા હતા કે, દિનુ બોઘા સોલંકી અને તેના માણસો દ્વારા અપાતી ધમકી અને પ્રલોભનોના કારણે આ કેસના મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા છે અને તેથી તેમને ન્યાય મળશે. આ સંજોગોમાં સમગ્ર કેસનો ટ્રાયલ ફરીથી ચલાવવામાં આવે. જેઠવાના પિતા તરફથી સોંગદનામા રજૂ કરી કેટલાક પુરાવા પણ અદાલતના ધ્યાન પર મૂકાયા હતા. જેને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે જેઠવા હત્યા કેસમાં રિટ્રાયલનો હુકમ કર્યો હતો અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના જામીન રદ કર્યા હતા. આ હુકમથી નારાજ સોલંકીએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે પણ દિનુ બોઘા સોલંકીને કોઇ રાહત આપી ન હતી અને તેમને જેલ સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક હાજર થઇ જવા ફરમાન કર્યું હતું.