મોદીને અડવાણીની આડકતરી ટકોરઃ સ્વાતંત્ર્ય દિને કોઇની ટીકા ન કરાય

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 16 ઑગસ્ટ 2013 (12:35 IST)

P.R
ભુજ ખાતેથી વડા પ્રધાન મનમોહનસિંહ પર આકરા પ્રહાર કરનાર નરેન્દ્ર મોદી સામે દેખીતો કટાક્ષ કરીને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ જણાવ્યું હતું કે જેવા પ્રસંગોએ નેતાઓએ એકબીજાની ટીકા કરવી જોઈએ નહીં.

તેમણે જણાવ્યું હતું કે મેં આજે વડા પ્રધાનને સાંભળ્યા હતા. આજે સ્વતંત્ર દિન છે. આપણે કોઈની પણ ટીકા કર્યા વગર ભાજપના ભાવિ અંગેની જે અમર્યાદિત તકો અને ક્ષમતા રહેલી છે તેનો અહેસાસ અનુભવવો જોઈએ.

ભુજમાં સ્વતંત્ર દિન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પર આકરા પ્રહારો કર્યા પછી રાષ્ટ્રીય ધ્વજવંદન બાદ અડવાણી પોતાના નિવાસસ્થાન ખાતે બોલી રહ્યા હતા.
અડવાણી ભાજપના સંસદીય પક્ષના વડા છે. તેમણે દેશના ભાવિ અંગે આશાવાદ વ્યક્ત કર્યોે હતો.

તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે તેના ભાવિ અંગે વિપુલ તકો અને ક્ષમતા રહેલી છે. વડા પ્રધાને છેલ્લા એક દશકાની વાત કરી છે. ૨૦૧૪થી આપણે નવા કદમ માંડવાના છે. તેમણે છેલ્લા એક દશકાની સિદ્ધિ અને ઊણપો અંગે જણાવ્યું છે. ૨૦૧૪થી આપણે નવા દશકાની શરૂઆત કરવાની છે જે ભારતના ઈતિહાસનો એક અસાધારણ તબક્કો હશે. આપણે શક્ય એટલી સારી કામગીરી બજાવવી જોઈએ.
અડવાણીએ પોતે હાલમાં કાળાં નાણાં અંગેનું પુસ્તક વાંચી રહ્યા છે તે અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ પુસ્તકનો મુદ્દો એ છે કે મૂડીવાદ સારી બાબત છે, પરંતુ આચારસંહિતા અને નૈતિકતાને એક બાજુએ મૂકીને ભ્રષ્ટાચાર થાય તો એનાથી મૂડીવાદને બટ્ટો લાગે છે.

તેમણે જણાવ્યું હતું કે દરેકે એ રીતે કામ કરવું જોઈએ કે કોઈ તેની સામે આંગળી ન ચિંધે. ૨૧મી સદીને ભારતની બનાવવા આપણે પ્રયાસ કરવો જોઈએ, જેથી દુનિયા કહે કે આ રાષ્ટ્ર એવું છે જેની સાથે કોઈ સરખામણી કરી ન શકે.


આ પણ વાંચો :