ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી રાજ્યસભાની ચૂંટણી નહીં લડે
અદાણી સમૂહે એ મીડિયા રિપોર્ટનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૌતમ અદાણી કે તેમનાં પત્ની ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે.
રાજ્યસભાની 57 બેઠક માટે 10 જૂને ચૂંટણી થવાની છે.
અદાણી સમૂહે એક નિવેદન જાહેર કરીને રાજ્યસભાની સીટ મળવાના દાવાને ખોટો ગણાવ્યો છે.
નિવેદનમાં કહેવાયું, "અમને મળેલા સમાચારમાં એવો દાવા કરાઈ રહ્યો છે કે ગૌતમ અદાણી કે ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાની સીટ મળી શકે છે. આ સમાચાર સંપૂર્ણ ખોટા છે. આવા સમાચાર જ્યારે રાજ્યસભાની સીટો ખાલી હોય છે ત્યારે હંમેશાં આવે છે."
"એ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો પોતાનાં હિત માટે અમારાં નામનો આવા અટકળવાળા સમાચારોમાં ઉપયોગ કરે છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈ સભ્યને રાજકારણમાં કારકિર્દી બનાવવા કે કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થવાની રુચિ નથી."