ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (12:05 IST)

મહૂઆમાં VHP પ્રમુખની હત્યા બાદ તંગદિલી, ઈન્ટરનેટ સેવા બંધ

ભાવનગરના મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરીયાની હત્યા બાદ ત્રીજા દિવસે પણ વાતાવરણ તંગ જોવા મળ્યું હતું.  ગુરુવારે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વેપારીઓએ દુકાનો ખોલી હતી પરંતુ સાંજે ટોળાએ તોડફોડ અને આગજની કરતા પોલીસ ટોળાને વિખેરવા ટીયરગેસના 19 સેલ છોડ્યા હતા. આથી ભાવનગર કલેક્ટર હર્ષદ પટેલે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજથી લોકો ઉશ્કેરાઇ નહીં તેને ધ્યાને લઇને 31 ઓક્ટોબર સુધી નેટ સેવા બંધ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. 
કલેક્ટરે જાહેરનામું બહાર પાડતા જણાવ્યું હતું કે, મહુલા તાલુકામાં સોશિયલ મીડિયા મારફત વાયરલ મેસેજ, ફેલાતી અફવાઓ અટકાવવા જ્ઞાતિ અને ધર્મ પ્રત્યે વૈમનસ્ય ફેલાતું અટકાવવા અને કાયદો વ્યવસ્થાની જાળવણી અર્થે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ સેવાઓ પર તાકીદની અસરથી પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા નાયબ પોલીસ અધિક્ષક ભાવનગરના પત્રથી દરખાસ્ત રજૂ થયેલ છે. હું હર્ષદ પટેલ ભાવનગર જિલ્લા કલેક્ટર મહુવા તાલુકામાં તા.25થી 31 ઓક્ટોબર સાત દિવસ સુધી સોશિયલ મીડિયા , ઇન્ટરનેટ સેવાઓના ઉપયોગ તથા આ અંગેની સેવાઓ પૂરી પાાડવા પર પ્રતિબંધ ફરમાવું છું.
મહુવામાં એખલાસતા અકબંધ છે. છતાં અજંપાભરી શાંતિ છે.મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા પ્રકરણમાં મહુવા પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી ગુન્હામાં વપરાયેલા હથિયારો કબ્જે લઇ તમામને કોર્ટમા રજૂ કરી રીમાન્ડની માંગણી કરાતા અદાલતે તમામના શનિવાર સાંજ સુધીના રીમાન્ડ મંજૂર કર્યા હતા.