રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2016 (15:21 IST)

એનઆરઆઈના પુત્રના અપહરણનો ભેદ અમદાવાદની ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાંખ્યો, પૈસા માટે સગી માસીએ કાવતરૂ ઘડ્યું

એનઆરઆઇ વિષ્ણુભાઈ પટેલના પુત્ર જયના અપહરણનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખ્યો છે. જય પટેલનું અપહરણ તેની માસી કોમલ પટેલે પ્રેમી ભરત મકવાણા સાથે મળીને કર્યું હતું. જેમાં ભરતના બે મિત્રોએ પણ સાથ આપ્યો હતો. ત્યારે આ અપહરણમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ક્રાઇમ પેટ્રોલની એક સ્ટોરી પરથી પ્રેરણા લઈને આરોપીઓએ અપહરણનું પ્લાનિંગ કર્યું હતું. જોકે, પોલીસે જયની માસી કોમલ રાકેશભાઈ પટેલ, કોમલનો પ્રેમી ભરત મકવાણા, રાજેશ મકવાણા અને અર્પિત ઉર્ફે બબલુ ક્રિશ્ચિયનને પકડી પાડી સમગ્ર અપહરણનો ભેદ ઉકેલી નાંખ્યો છે.  

આ અપહરણનો માસ્ટર માઇન્ડ ભરત રમણલાલ મકવાણા અને કોમલ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધમાં હતા. કોમલ બહેન સોનલના ઘરે રહેતી હતી અને ભરતને મળવા જતી ત્યારે અનેકવાર જયને સાથે લઈ જતી હતી. જેને કારણે ભરત જય પટેલના પરિચયમાં આવ્યો હતો. એટલું જ નહીં, તેના પિતા અમેરિકામાં રહેતા હોવાથી તેમની પાસે પૈસા હોવાની માહિતી મળી હતી. આમ, આજથી પંદર દિવસ પહેલા ભરતે રાજુ અને અર્પિત સાથે મળીને વટવા કેડિલા ક્રોસિંગ પાસે રાત્રે આઠ વાગ્યે અપહરણનો પ્લાન ઘડવા ભેગા થયા હતા. તેમણે ક્રાઇમ પેટ્રોલના એક એપિસોડ પરથી અપહરણનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં તેમણે પ્રેમિકા કોમલની મદદ લેવાનું નક્કી કર્યું હતું.  

ભરતે પોતાની પ્રેમિકા કોમલ સાથે મળી સોનલબેનના પુત્ર જયનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. ભરતે જ તેને પ્લાનમાં સામેલ કરી હતી. કોમલે પોતાના મોબાઇલથી વોટ્સએપ ઉપર જય પટેલના ફોટા ભરતને મોકલી આપ્યા હતા. જયનું અપહરણ કરવા માટે ગાડી લાવવાનું કામ ભરતે રાજુને આપ્યું હતું. જ્યારે ખંડણી માગવા માટે ફોન અને સિમકાર્ડ લાવવાનું કામ અર્પિતને અપાયું હતું. અર્પિતે એક મહિના પહેલા એક મોટી ઉંમરના કાકાનો ફોન પડાવી લીધેલો હતો. જેનો ઉપયોગ આ અપહરણ પછી ખંડણી માટે કરવામાં આવ્યો હતો.