શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (08:58 IST)

ઓલિમ્પિક્સ માટે અમદાવાદ અને ગાંધીનગરનાં 22 લોકેશન્સ નક્કી કરાયાં; પોળોનાં જંગલો, સાપુતારા પણ સામેલ

2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટેની દાવેદારીને મજબૂત કરવા સરકાર તૈયારી કરી રહી છે. ગુરુવારે આ અંગે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (ઔડા) દ્વારા રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં ઓલિમ્પિકનાં 100માંથી 22 સ્થળો માટે અમદાવાદ અને ગાંધીનગરનાં વિવિધ લોકેશન્સ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યાં હતાં. ખાનગી એજન્સી દ્વારા આ માટેનો સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેના આધારે ઓલિમ્પિક્સનાં સંભવિત સ્થળો અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર કરાયું હતું. અમદાવાદ-ગાંધીનગરનાં 100 જેટલાં લોકેશનના અભ્યાસ પછી 22 લોકેશન એવાં છે કે જેમાં નાનો-મોટો ફેરફાર કરવાથી ઓલિમ્પિક-2036ની રમત રમાડી શકાય છે. પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં ઓલિમ્પિકની ઊજળી તકો દર્શાવવામાં આવી હતી. ઓલિમ્પિકની રમતો કેવા પ્રકારના મેદાનમાં રમાડી શકાય તે માટે ખાસ નિમાયેલી એજન્સીએ સરવે કર્યો હતો. આ સરવેનો અહેવાલ તૈયાર કરવા માટે એસવીપી(સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ) કમિટીની રચના કરાશે. આ કમિટીમાં ગુજરાત અને કેન્દ્ર સરકારના અધિકારીઓનો સમાવેશ કરાશે. આ કમિટી કેન્દ્ર સરકાર સમક્ષ સમગ્ર અહેવાલને તૈયાર કરીને રજૂ કરશે. સરવેમાં ઓલિમ્પિક્સની વિવિધ રમતોના લોકેશન માટે ગુજરાતના પોળોનાં જંગલો અને સાપુતારાના પહાડી વિસ્તારો પણ સામેલ છે. આ ઉપરાંત ઉત્તરાખંડના વિવિધ સ્થળોને પણ આવરી લેવાયા છે. ઓલિમ્પિકની વૉટર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ વિસ્તારનો ઉપયોગ કરવાનો વિચાર રજૂ કરાયો હતો. સાથે શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પણ તારવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૉટર સ્પોર્ટ્સ માટે ગોવા અને આંદામાન નિકોબાર પણ આઇડેન્ટીફાઇ કરાયાં છે. અમદાવાદમાં મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. આ ઉપરાંત મોદી સ્ટેડિયમની આસપાસની 236 એકર જમીનનો ઉપયોગ કરીને વિવિધ રમતો માટેનાં મેદાન તૈયાર કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.