ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2024 (18:37 IST)

ગુજરાતના શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 8.52 લાખ મકાનો બન્યાં

pm awas yojna
દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લાં 9 વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 8.52 લાખ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે. 
 
7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો
જૂન 2015માં જાહેર થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે આજ દિન સુધીમાં કુલ 9.78 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલ આવાસોમાંથી 8.55 લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ₹1066 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 65,000થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ₹1326.93 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. 
 
ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6.13 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેકસીસ યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ-01 અંતર્ગત ભાડાના મકાનોમાં  રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. 
 
કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવાસો બનાવવામાં આવ્યા
ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP) માટે ગુજરાતના રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે, જ્યાં ટનલ ફોર્મવર્ક દ્વારા મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવાસો બનાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, રાજકોટ ખાતે EWS-2 પ્રકારના કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના તમામ શહેરોના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ઓછામાં ઓછા એક ઘટકનો લાભ આપવામાં આવ્યો છે.