રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2023 (14:35 IST)

સુરતમાં મિત્રો સાથે માછલી ખાવા બેઠેલા યુવકના ગળામાં કાંટા ફસાઈ જતા ઢળી પડ્યો

સુરતના સચિન વિસ્તારમાં રાત્રે મિત્રો સાથે માછલી ખાવા બેઠેલા યુવકના ગળામાં કાંટા ફસાઈ જતા ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો 35 વર્ષીય મુન્ના ઉર્ફે મુકેશ યાદવ વતનવાસીઓ સાથે સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સુડા સાંઈનાથ સેક્ટર 2માં રહેતો હતો. મુન્નાના પરિવારમાં પત્ની, બે દીકરા અને બે દીકરી છે. મુન્નાનો પરિવાર વતનમાં રહેતો હતો અને સુરતમાં તે એકલો હતો. મુન્ના જેકાર્ડ મશીનના ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ગતરોજ રાત્રે મુન્ના 8 વાગ્યે ડ્યૂટી પરથી પરત ફર્યો હતો અને રસ્તામાંથી રવ નામની માછલી ખાવા માટે લઈને ઘરે આવ્યો હતો. રાત્રે 10 વાગ્યે મુન્ના અને તેના ત્રણ મિત્રો સાથે માછલી ખાવા બેઠા હતા. દરમિયાન મુન્નાના ગળામાં માછલીના કાંટા ફસાતા તેને મોમાં આંગળા નાખીને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ બેભાન થઈને તે ઢળી પડ્યો હતો.મુન્નાને તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન મુન્નાએ ઊલટી કરતા 8થી 10 જેટલા કાંટાઓ બહાર આવ્યા હતા. જોકે ટૂંકી સારવારમાં જ મુન્નાનું મોત નીપજ્યું હતું. મુન્નાના મોતની જાણ વતન ખાતે પરિવારને કરવામાં આવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પોસ્ટમોર્ટમ બાદ યુવકના મૃતદેહને વતન લઈ જવામાં આવશે.