મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (16:57 IST)

સુરતમાં ખૂબ ગાજેલી આપ પાર્ટીની ગાંધીનગરમાં હવા નીકળી ગઇ, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ચૂપ

સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા આપના નેતાઓ ચૂપ, ઇસુદાને 14 કલાકથી એકપણ ટ્વિટ કર્યું નથી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો અને એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગાંધીનગરના ગઢમાં આપ સત્તા પર આવશે, પરંતુ આજે જે પ્રકારના પરિણામ આવ્યા છે તેને જોતા લાગી રહ્યું છેકે, સુરતમાં ખૂબ ગાજેલી આપ પાર્ટીની ગાંધીનગરમાં હવા નીકળી ગઇ છે. આપના જે નેતાઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને ટ્વિટનો મારો ચલાવતા હતા, તેઓ હારના પરિણામો બાદ ટ્વિટર પર કોઇ પોસ્ટ કરતા જોવા મળ્યા નથી. જીતનો વિશ્વાસ વ્યક્ત કરનાર આપના નેતાઓ ઇશુદાન ગઢવી, વિજય સુવાળા, ગોપાલ ઇટાલિયા સહિતનાઓની બોલતી બંધ થઇ ગઇ છે.
 
રાજ્યના ચાર મોટા શહેરોમાં આવતા સુરતમાં આમ આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી આપે 27 બેઠકો મેળવી હતી. ભાજપને મળેલી બેઠકોની સરખામણીએ ઓછી હતી પરંતુ એક નવી પાર્ટી તરીકે સુરતમાં આપે સારો દેખાવ કર્યો હતો. સુરતમાં સારા દેખાવથી આપનું મનોબળ વધ્યું હતું અને ગાંધીનગરની ચૂંટણીમાં ખુબ ગાજી હતી. સુરત જેવું જ પ્રદર્શન ગાંધીનગરમાં કરવાના ઓરતાં જોતી પાર્ટીનો સફાયો થઇ જતાં નેતાઓ હારના આઘાતમાં સરી ગયા હોય તેમ મૌન થઇ ગયાં છે.
 
ગાંધીનગરની ચૂંટણીમાં 44 બેઠકોમાંથી આપના ફાળે માત્ર એક જ બેઠક આવી છે. જ્યાંથી તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવાના હતા, જેના પરિણામ પર તેમની આગામી રણનીતિનો દારોમદાર હતો એજ ચૂંટણીમાં આપનું સુરસુરિયું થયું હતું. સામાન્ય રીતે પક્ષના જવાબદાર નેતાઓ દ્વાર હારઅપનાવીને મતદાતાઓના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કરતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીના આ દિગ્ગજ નેતાઓ દ્વારા કોઇપણ પ્રકારની ટ્વિટ પણ કરવામાં આવી નથી.