શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 30 જૂન 2021 (08:30 IST)

અમદાવાદ માત્ર 700 ગ્રામ વજન ધરાવતા શિશુના હૃદયની જટિલ સર્જરી કરાઈ

અમદાવાદ શહેરની સિમ્સ હોસ્પિટલના ડોકટરોની ટીમે ખેરાલુના 700 ગ્રામ વજન સાથે જન્મેલા અને હાથના પંજા કરતા સહેજ મોટું કદ ધરાવતાં પ્રી-મેચ્યોર અને પીડીએ રોગથી પીડાતા બાળકના હૃદયની સર્જરી કરીને નવજીવન આપ્યું છે. મહ્ત્વની વાત એ છે કે, બાળકનું વજન, એનેસ્થેસિયા અને સર્જરીની તકેદારીને અભાવે ઓપરેશન ટેબલ પર મૃત્યુ થવાની શક્યતા હતી. પરંતુ, ડોક્ટરોની ટીમે સાડા 3 કલાકની સફળ સર્જરી બાદ બાળકને નવજીવન આપ્યું છે.

સિમ્સ  હોસ્પિટલના બાળકોના કાર્ડિયાક સર્જન ડો.સૌનક શાહ જણાવે છે કે, મહેસાણા પાસેના ખેરાલુમાં રહેતા દંપતીને ઘરે 24 દિવસ પહેલાં પ્રથમ બાળકનો જન્મ થયો હતો. પરંતુ, તેનું વજન માત્ર 700 ગ્રામ જેટલું જ હતું. આ બાળક પેશન્ટ ડક્ટક આર્ટિરિયીસ (પીડીએ)ની બીમારીથી પીડાતું હોવાથી પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડો. દિવ્યેશ સાદડીવાલાએ બાળકની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું, જેથી બાળકને 3 દિવસ પહેલાં હોસ્પિટલમાં લાવી સ્ટેબિલાઇઝ કરીને શનિવારે સાડા ત્રણ કલાકની સફળ સર્જરી કરી છે. હાલમાં બાળકને આઇસીયુમાં વેન્ટિલેટર પર રખાયું છે, તેમજ ફેફસાં રિકવર થતાં બાળકને વેન્ટિલેટર દૂર કરાશે. મહત્વની વાત એ છે કે, આટલું ઓછું વજન અને આટલા કોમ્પિલિકેશન ધરાવતાં બાળકો મોટેભાગે બચી શકતા નથી. પ્રિ-મેચ્યોર બાળકના શરીરના ટિશ્યુ ઘણાં નબળા હોય છે અને બાળકને કિડની પર અસર હોવાથી ક્રિએટિન વધારે હતું, અને સર્જરી દરમિયાન ફેફસાં પર દબાણની શક્યતા હતી. સાથોસાથ બાળકને એનેસ્થેસિયાની અને ઓપરેશન થિયેટરમાં હાઇપોથર્મિયા(ઠંડું) થવાની શક્યતા હોવાથી નાની ભૂલથી ઓપરેશન ટેબલ પર મૃત્યુ થવાની શક્યતા હતી. બાળક માતાના પેટમાં હોય ત્યારે ફેફસામાં લોહી લઇ જવા માટે એક નળી આવેલી હોય છે, જેને તબીબી ભાષમાં (ડીએ) કહે છે. બાળક જન્મે અને રડે ત્યારે આ નળી બંધ થઇ જાય છે. પરંતુ, પ્રિ-મેચ્યોર બાળકમાં આ નળી ખુલ્લી રહી જાય છે. તેમજ નળી બંધ ન થાય જેથી ફેફસાંમાં જેટલું લોહી જવું જોઇએ તેના કરતાં વધુ લોહી જવાથી શ્વાસ બંધ થઇ જાય છે.