અમદાવાદ બોપલ ડ્રગ્સ કાંડઃ ડ્રગ્સ ખરીદનારા નબીરા સામે હજુ કાર્યવાહી બાકી, 100 કિલો ડ્રગ્સ ક્યાં વેચાયું તેનાથી અજાણ હોવાનું પોલીસનું રટણ
બોપલ ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી વંદિત પટેલે બે જ વર્ષમાં અમેરિકા અને કેનેડાથી 100 કિલો ડ્રગ્સ મગાવીને છૂટાછવાયા ગ્રાહકોને વેચ્યંુ હતંુ. જોકે વંદિત પાસેથી ઊંચી ગુણવત્તાવાળું અને મોંઘું ડ્રગ્સ ખરીદનારા માલેતુજાર પરિવારના નબીરાઓ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા આ નબીરાઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે વંદિતના ગ્રાહકોની કડી મળી જ નહીં હોવાનું રટણ પોલીસ કરી રહી છે.
વંદિત પટેલ અમેરિકા, કેનેડાના ડ્રગ માફિયા પાસેથી ઓનલાઇન ડ્રગ્સ મગાવતો હતો. 2 જ વર્ષમાં 100 કિલો ડ્રગ્સ મગાવ્યંુ હોવાનું અમદાવાદ જિલ્લા ડીએસપી વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતંુ. આટલું જ નહીં આ 100 કિલો ડ્રગ્સ વેચીને વંદિત 10 કરોડ રૂપિયા કમાયો હોવાનું પોલીસે સત્તાવાર જણાવ્યું હતું, પરંતુ વંદિત આ ડ્રગ્સ કોને વેચતો હતો તે અંગે પોલીસને પૂછતા પોલીસનું કહેવું છે કે તે દિશામાં હજુ સુધી તપાસ કરી જ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે વંદિત પાસેથી ડ્રગ્સ ખરીદનારા ગ્રાહકોનું મોટું લિસ્ટ પોલીસે એકત્રિત કરી લીધું છે, જેમાં મોટા ભાગના માલેતુજાર પરિવારના નબીરાઓ જ છે.
વંદિત ક્યાંથી ડ્રગ્સ લાવતો - પૈસા કેવી રીતે આપતો હતો તે જાણી લીધું પણ તેના ગ્રાહક કોણ હતા તેવું પોલીસ રટણ કરી રહી છે.વંદિત પાસેથી ડ્રગ્સ ખરીદનારા નબીરાઓની યાદી પોલીસે તૈયાર કરીને તેમને અમદાવાદ જિલ્લાની જ એક કચેરીમાં બોલાવાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેમાંથી એક પણ સામે સત્તાવાર રીતે કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેના ભાગરૂપે ડ્રગ્સ કેસમાં પકડાયેલા વંદિત સહિતના 4 આરોપી સિવાય બીજા કોઈની ધરપકડ કરાઈ નહીં હોવાનું પોલીસ જણાવી રહી છે.