શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 ઑગસ્ટ 2020 (18:57 IST)

રાજ્યના ડીજીપી તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક બાદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર નો તાજ કોના શિરે?

ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક થઈ ગઈ છે ત્યારે હવે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર નો તાજ કોના શિરે આવશે તે અંગે પોલીસ બેડામાં અટકળો શરૂ થઈ છે. જેમાં અમદાવાદના કમિશનર તરીકે અજયકુમાર તોમર અને સંજય શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. એક બે દિવસમાં નવા નામની જાહેરાત થવાની સંભાવના છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અજયકુમાર તોમર અને સંજય શ્રીવાસ્તવ તેમની કારકિર્દીના મોટા ભાગનો સમય અમદાવાદમાં ફરજ બજાવી ચૂક્યા છે. સંજય શ્રીવાસ્તવનું નામ રેસમાં સૌથી આગળ છે. તેઓ વર્ષો સુધી અમદાવાદમાં મહત્ત્વના પદો ઉપર સારી એવી કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમની રાજકોટ પોલીસ કમિશનર અને સુરત અધિક પોલીસ કમિશનર તરીકેની કામગીરીની સરાહના થઈ હતી આ જોતાં તેમને પણ અમદાવાદના પોલીસ કમિશનરનો તાજ એનાયત થાય તેવી સંભાવના છે. જોકે અજય તોમરને ક્રાઇમ બ્રાંચના વડા બનાવાયા ત્યારે તેમની એપોઇન્ટમેન્ટ સ્પેશ્યિલ પોલીસ કમિશનર તરીકે કરાઈ હતી. તેઓ સરકારની પણ ગુડ બુકમાં રહેલા છે. જેથી તેમને પણ આ પદભાર સોંપાય તેવી શક્યતા નકારાતી નથી. અત્યાર સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સિનિયોરિટીની પ્રણાલિકા તૂટી નથી. સિનિયોરિટી મુજબ કેશવકુમારનું નામ આવી શકે પરંતુ તેઓ સરકારની ગુડબુકમાં નહીં હોવાને કારણે તેમનું નામ કપાઈ શકે તેવું આઈપીએસ અધિકારીઓનું માનવું છે. જો આમ થાય તો પહેલીવાર સિનિયોરિટીની પ્રણાલી તૂટી શકે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયા રાજ્ય પોલીસવડા બનનારા 9માં અધિકારી છે. આ અગાઉ 8 આઈપીએસ ઓફિસર અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા અને પછી ડીજી બન્યા હતા. શિવાનંદ ઝા પણ કમિશનર થયા પછી ડીજી બન્યા હતા