ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 એપ્રિલ 2021 (18:49 IST)

અમદાવાદમાં સિવિલ મેડિસિટીના 2500થી વધુ સ્ટાફે મહિનાઓથી રજા લીધી નથી,

સમગ્ર દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલ તથા મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નવનિર્મિત કિડની હોસ્પિટલની ઇમારતમાં કાર્યરત કોવિડ સુવિધાઓમાં વિવિધ કેડરના કુલ 2580 લોકોનો મેડિકલ સ્ટાફ દિન-રાત જોયા વિના માત્ર ને  માત્ર દર્દીઓ માટે ‘રાઉન્ડ ધ ક્લોક’ કામ કરી રહ્યો છે.

આ ફરજ નિષ્ઠાથી સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફની દર્દીઓ પ્રત્યેની સમર્પિતતાનો ખ્યાલ એના પરથી મળી શકે કે આવી કઠિન પરિસ્થિતિમાં પણ 528 ડોક્ટર, 655 નર્સ, 301 પૅરા મેડિકલ કર્મચારી, 887 સફાઇકર્મી, 153 સુરક્ષાકર્મી, 14 કાઉન્સેલર, 25 દર્દી સહાયક અને 15 પી.આર.ઓ. મકુલ ૨૫૮૦ મેડિકલ સ્ટાફે દર્દીઓ ખાતર ઘણા દિવસોથી એક પણ રજા લીધી નથી. ડોક્ટર્સ સહિતનો 80 જેટલો મેડિકલ સ્ટાફ પણ કોરોનાની આ ઘાતક લહેરમાં સંક્રમિત થયો છે, પણ આ તમામ સ્ટાફ મેમ્બર્સે સાજા થયા બાદ પુનઃ ફરજ પર જોડાઇ જઇ ફરજ પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠા દર્શાવી છે.

સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓ માટે  મોંઘા ઇન્જેક્શન, દવાઓ સમયસર પર્યાપ્ત જથ્થામાં હોસ્પિટલમાં પુરા પાડવામાં આવી રહી છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં ટોસીલીઝૂમેબ અને રેમડેસિવીર જેવા અત્યંત મોંઘા ઇન્જેક્શનની સારવાર પણ દર્દીને નિઃશુલ્ક આપવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને સતત સારી સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા  કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની બહાર હોસ્પિટલ અને મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ સ્થિત કિડની હોસ્પિટલમાં દર્દીના સગાને રોકાણ માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ મહામારી ચેપી હોવાથી દર્દીના સગાનું દર્દી પાસે રહેવું હિતાવહ નથી. તેથી દર્દીના સગાઓ- દર્દીના સ્વજનો વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ  કરવામાં આવી છે. સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ જાણી શકાય તે માટે કંટ્રોલ નંબર કાર્યરત કરાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારની ત્વરિત કામગીરીના કારણે અત્યારે અમદાવાદમાં કોવિડની સારવાર માટે પર્યાપ્ત સંખ્યામાં બૅડ સંખ્યા ઉપલબ્ધ છે. 1 થી 17  એપ્રિલ સુધીમાં 1670 દર્દીને ડિસ્ચાર્જ અપાયું છે. અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત વિવિધ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. સિવિલ વહીવટીતંત્રએ પરિસ્થિતિને અનુરુપ ઓક્સિજન સાથેના દર્દીની સ્થિતિ સ્થિર જણાય તો સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરી જરૂરિયાતમંદોને સત્વરે સારવાર મળે તે પ્રકારે આયોજન હાથ ધર્યું છે