ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (10:35 IST)

અમદાવાદના કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તુટી, મત ગણતરીમાં ભૂલ થતાં ભાજપના ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા

કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીને પરાજિત જાહેર કરવામાં આવ્યા
હવે કોર્પોરેશનમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 થઈ છે જ્યારે કોંગ્રેસની 24, AIMIM 7 અને અપક્ષની 1 બેઠક છે
 
રાજયની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના 159 ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે વધુ એક ઉમેદવારને જીતેલા જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વોર્ડ નંબર 14 કુબેરનગરમાં કોંગ્રેસની પેનલની જીત થઈ હતી પરંતુ ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા વિશાલસિંહ ચાવડાએ પોતાના મત વધુ હોવા છતાં તેમને હારેલા જાહેર કરવામાં આવ્યા હોવાની ચૂંટણી પાંચમા રજૂઆત કરી હતી. કારણ કે 9માં રાઉન્ડની ગણતરી બાકી રહી ગઈ હોવાથી ભૂલ થઈ હતી. આ બાબતે ચૂંટણી પંચે બે દિવસમાં તપાસ કરી અને નવમા રાઉન્ડની ગણતરીમાં ભૂલ હોવાનું તપાસમાં બહાર આવતા તેઓને મોડી રાતે વિજેતા જાહેર કરી અને કાઉન્સિલર તરીકે પ્રમાણપત્ર આપવામા આવ્યું છે. 
ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 થઈ
ગીતાબા ચાવડાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મતગણતરીમાં ભૂલના કારણે અમારા તરફથી ચૂંટણી પંચમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં તપાસ બાદ મને વિજેતા જાહેર કરવામાં આવી છે. 
 
કોંગ્રેસની પેનલના વિજેતા ઉમેદવાર જગદીશ મોહનાનીને જીતમાંથી હારેલા જાહેર કરવામાં આવ્યા છે. આમ હવે કોર્પોરેશનમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 થઈ છે જ્યારે કોંગ્રેસની 24, AIMIM 7 અને અપક્ષની 1 બેઠક છે.
આ વોર્ડમાં કોંગ્રેસનું NCP સાથે ગઠબંધન હતું
કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલમાં ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર, કામિનીદેવી વિનોદકુમાર ઝા, નિકુલ કમલસિંહ તોમર,જગદીશ બુલચંદ મોહનાણીનો વિજય થયો હતો પરંતુ ભાજપ દ્વારા મત ગણતરીમાં ભૂલ હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેની તપાસ થતાં આખરે ભાજપના ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. અને કોંગ્રેસના જગદીશ મોહનાનીને પરાજિત જાહેર કરવામા આવ્યાં છે.
2015માં કુબેરનગર વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા થઈ હતી
2015માં સરસપુરમાં ભાજપે જે બે બેઠક ગુમાવી હતી તે આ વખતે પાછી મેળવી લીધી છે. આ વખતની ચૂંટણીમાં 192 બેઠકો પર 7 ઉમેદવારો એવા છે જેમની જીત માત્ર એક હજારથી ઓછા મતના માર્જિનથી થઈ છે. 2015માં કોંગ્રેસ પાસે જે પેનલો હતી તે પૈકીની ઇન્ડિયા કોલોની, જમાલપુર અને મક્તમપુરાની પેનલો પણ આ વખતે તૂટી છે જેમાં ઇન્ડિયા કોલોની અને જમાલપુર તો આખી નિકળી ગઈ છે જ્યારે મક્તમપુરામાં માત્ર એક જ બેઠક મળી છે. ભાજપે એક માત્ર કુબેરનગરની પેનલ ગુમાવી છે જે 2015માં ભાજપ પાસે હતી.