રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2019 (11:48 IST)

અલ્પેશ ઠાકોરના વચગાળા માટે સસ્પેન્ડ કરવાની માગણી હાઇકોર્ટે ફગાવી

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરવાની માગણી કરતી પિટિશનમાં આજે કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અલ્પેશને વચગાળાનું સસ્પેન્શન આપવામાં આવે જેથી તે ચોમાસુ સત્ર અને રાજ્યસભા પેટાચૂંટણીમાં ભાગ ન લઇ શકે. હાઇકોર્ટે આ માગણીને ફગાવતા કહ્યું હતું કે હાઇકોર્ટ સ્પીકરને આ પ્રકારનો આદેશ ન આપી શકે. મંગળવારની સુનાવણી બાદ હાઇકોર્ટ આદેશ આપે તેવી શક્યતા છે. 
જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.પી. ઠાકરની ખંડપીઠ સમક્ષ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અલ્પેશને ધારાસભ્યપદેથી દૂર કરવા માટે બે મહિના અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી વિધાનસભા સ્પીકરે કોઇ નિર્ણય લીધો નથી. હાઇકોર્ટ સમક્ષ આ મુદ્દો હાલ પેન્ડિંગ છે ત્યારે અલ્પેશને વચગાળાનું સસ્પેન્શન આપવામાં આવે તેવો આદેશ હાઇકોર્ટે સ્પીકરને આપવો જોઇએ. માગણી રદ કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે કોર્ટે આ સ્પીકરને આ પ્રકારનો આદેશ આપી શકે નહીં. ત્યારબાદ કોંગ્રેસે માગણી કરી હતી કે હાઇકોર્ટ સ્પીકરને નિશ્ચિત સમયમર્યાદામાં અલ્પેશના સસ્પેન્શનનો નિર્ણય લેવા અંગે આદેશ આપે.
વિધાનસભામાં કોંગ્રેસના દંડક અશ્ચિવ કોટવાલે અરજદાર તરીકે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે અલ્પેશ ઠાકોરે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીતી હતી. ૧૦-૪-૨૦૧૯ના રોજ તેમણે કોંગ્રેસના પક્ષના તમામ હોદ્દાઓ અને જવાબદારી પરથી રાજીનામું આપ્યું છે. તેથી પક્ષાંતર ધારાની બંધારણીય જોગવાઇઓ પ્રમાણે તેની વિધાનસભા બેઠક ખાલી ઠેરવવી જોઇએ.  તેથી અરજદારે ૨૫-૪-૨૦૧૯ના રોજ વિધાનસભા અધ્યક્ષને અરજી આપી રજૂઆત કરી હતી કે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદેથી દૂર કરવામાં આવે. આ ઉપરાંત આઠમી મેના રોજ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું પ્રતિનિધિમંડળ અધ્યક્ષને આ અંગે રજૂઆત કરવા ગયું હતું, પરંતુ હજુ સુધી સ્પીકરે કોઇ નિર્ણય લીધો નથી.