ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑગસ્ટ 2021 (11:05 IST)

અનુરાગ ઠાકુરે નરેન્દ્ર મોદી અને ભાવિના પટેલ સાથેનો 2010નો ફોટો કર્યો શેર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ઝોઉ યિંગ સામેની ફાઇનલ મેચ બાદ ભાવિના પટેલને ફોન કર્યો અને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટોક્યો પેરાલિમ્પિક્સ ખાતે આજે ભાવિના પટેલે વિમેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની ક્લાસ 4 ઇવેન્ટમાં ભારત માટે સૌપ્રથમ સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. સિલ્વર મેડલ જીતવો તે આશ્ચર્યથી ઓછું કાંઈ નથી અને રાષ્ટ્રીય રમતગમત દિવસ 2021ના પ્રસંગે ભાવિનાએ દેશને યાદગાર ભેટ આપી છે.
 
યુવા બાબતો અને રમતમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર ઇતિહાસમાં સરી પડ્યા હતા અને કેટલીક સુવર્ણ યાદગીરી તાજી કરી હતી તેમણે ભૂતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિના સાથે કરેલી મુલાકાત તાજી કરાવી હતી. કેન્દ્રીય મંત્રીએ એક ફોટો શેર કર્યો હતો જેમાં ભાવિના પટેલ અને તેની સાથીદાર ખેલાડી સોનલબહેન પટેલનું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સન્માન કર્યું હતું. “સોનલ અને ભાવિના 2010ની કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રયાણ કરી રહ્યા હતા. ગુજરાતની તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બંનેને કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર દેખાવ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા.” તેમ અનુરાગ ઠાકુરે તેમના ટ્વિટર પર લખ્યું હતું.
 
“રમતગમતની સંસ્કૃતિનું નિર્માણ કરવું, દરેક રમત અને રમતવીરોને સહકાર આપવો, પ્રોત્સાહિત કરવા તે આજીવન પ્રયાસ રહ્યો છે. આ બાબત જારી રહી છે અને તેનું આજે ફળ મળી રહ્યું છે. રમતવીરોના પ્રધાનમંત્રી!” આ ટ્વિટમાં એમ ઉમેરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ઝોઉ યિંગ સામેની ફાઇનલ મેચ બાદ ભાવિના પટેલને ફોન કર્યો અને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
 
34 વર્ષીય ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ક્લાસ 4 કેટેગરીમાં વિશ્વમાં 12મો ક્રમાંક ધરાવતી ભાવિના પટેલ માટે ફાઇનલમાં યિંગ સામે રમીને મોટો પહાડ સર કરવાનો લક્ષ્યાંક હતો. તે વિશ્વની પ્રથમ ક્રમાંકની ખેલાડી સામે 0-3થી હારી ગઈ હતી. યિંગ ઝોઉ હવે ચાર પેરાલિમ્પિક ગેમ્સમાંથી છ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ભાવિના પટેલ તેની ચીની હરીફ સામે ગ્રૂપ તબક્કાની પ્રથમ મેચમાં પણ હારી ગઈ હતી. જોકે ત્યાર બાદ પ્રિ ક્વાર્ટર ફાઇનલથી તેણે જે રીતે અપસેટ સર્જ્યા હતા તે નોંધપાત્ર બાબત છે.
 
પોતાની કારકિર્દીમાં પહેલી જ વાર પેરાલિમ્પિક ગેમ્સમાં રમી રહેલી ભાવિનાએ બ્રાઝિલની જોયસ ડી સિલ્વા સામેની તેની રાઉન્ડ ઓફ 16ની મેચ જીતી હતી. ભાવિના કરતાં જોયસ ઉંચો ક્રમાંક ધરાવતી હતી. જેની સામે તેનો 3-0થી વિજય થયો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની બોરિસ્લાવા પેરિક ભાવિનાની હરીફ હતી જેણે 2016ની રિયો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતેલા હતા. ભારતીય ખેલાડીએ તેને પણ 3-0થી હરાવી હતી. સેમિફાઇનલમાં ભાવિનાએ 2012ની પેરાલિમ્પિક્સની ગોલ્ડ મેડલ વિજેતા અને 2016ની પેરાલિમ્પિકસની સિલ્વર મેડલ વિજેતા ઝાંગ મિયાઓને 3-2થી રોમાંચક ઢબે હરાવી હતી.
 
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે ભાવિનાને ભારત સરકાર તરફથી શક્ય તેટલો તમામ સહકાર આપવામાં આવ્યો છે. ટેબલ ટેનિસનું ટેબલ વસાવવા માટે તેને આર્થિક સહયોગ પણ પૂરો પાડવામાં આવ્યો હતો. તેને ટીટી રોબોટ ‘બટરફ્લાય – એમિકસ પ્રાઇમ’નું રૂ. 2.85 લાખની કિંમતનું ટેબલ ટેનિસ ટેબલ ઉપરાંત ઓટ્ટોબોકની રૂ.2.74 લાખની વ્હીલચર પણ પ્રદાન કરાઈ હતી.