ભાજપના પ્રદેશ અઘ્યક્ષ ગુજરાતના સહકારી ક્ષેત્રના માળખાને ઠીક કરશે
ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પક્ષ પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલે કોરોનાને હરાવી દીઘો પણ હવે પરત ફરીને ગુજરાતના સહકારી માળખાના ઢાંચાને ઠીકઠાક કરવાના કામે વળગશે. તેઓ વર્તમાન સ્થિતિએ રાજ્યની મોટી સહકારી ક્ષેત્રની સંસ્થા અંગે સંપૂર્ણ વિગતો ચકાસશે. ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પાટીલે તાજેતરમાં સૂરતની સુમૂલ ડેરીમાં થયેલાં આક્ષેપોને લઇને પાર્ટીમાં સ્વચ્છ વહીવટ કરે તેવી વ્યક્તિનો આગ્રહ રાખ્યો હતો. અને તે મુજબ માનસિંહ પટેલ ડેરીના ચેરમેન બન્યા હતા. આ જ પ્રમાણે હવે દરેક મોટી સહકારી સંસ્થાઓમાં પણ કેટલાંક સ્થાપિત હિતો વર્ષોથી જળોની માફક ચોંટીને સંસ્થાઓને ચૂસી રહ્યા છે તેઓને પાટીલ દૂર કરશે. પાર્ટી સૂત્રો જણાવે છે કે હવે ગુજરાત ભાજપમાંથી સંગઠનના કેટલાંક નેતાઓ પણ સહકારી ક્ષેત્ર સતત વોચ રાખશે અને પાટીલને તેનો રીપોર્ટ મોકલતા રહેશે, જેથી કરીને જ્યાં પણ વહીવટમાં ક્ષતિ રહી હોય ત્યાં તેનું ધ્યાન દોરી શકાય. જે ભાજપના પદાધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધીઓ સહકારી મંડળીઓમાં હોદ્દેદાર છે કે વહીવટમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે તેઓનું નામ જો કોઇ ભ્રષ્ટતા કે ગેરરીતિમાં શામેલ હશે તો તેમને કડક સજા મળી શકે છે.