શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (14:04 IST)

રાજકોટ સિવિલમાં કોરોના પોઝિટીવ દર્દીને સિક્યોરિટી સહિતના સ્ટાફે માર મારતો વીડિયો વાયરલ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના અને દર્દીઓના આક્ષેપોના એક પછી એક વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં એક દર્દી પાણી આપવાની માગ કરી રહ્યો છે અને બીજી તરફ સિક્યોરિટી ગાર્ડ અને PPE કિટ પહેરલો સ્ટાફ તેની પર બેસીને તેને માર મારી રહ્યો છે. આ વિડિયો અંગે સિવિલના સુપરિન્ટેન્ડન્ટ પંકજ બૂચે જણાવ્યું હતું કે દર્દી પ્રભાશંકર કોરોના પોઝિટિવ છે. તે માનસિક રીતે પીડિત હોવાથી પોતાનાં કપડાં અને નાકમાં રાખેલી નળીઓ કાઢી રહ્યો હતો, જેથી તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાઇરલ વિડિયો મુદ્દે સુપરિન્ટેન્ડન્ટ પંકજ બૂચે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ વિડિયો 9 સપ્ટેમ્બરનો હતો. દર્દી પ્રભાશંકર પાટીલ માનસિક રીતે પીડિત હોવાથી પોતાનાં કપડાં અને નાકમાં રાખેલી નળીઓ કાઢી રહ્યો હતો, જેથી તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે વિડિયો અત્યારે વાઇરલ થયો છે એ અંગે સઘન તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે વિડિયો જોવા છતાં સુપરિન્ટેન્ડન્ટે દર્દીને માર માર્યો હોવાની વાતનો ઈનકાર કર્યો છે, જેથી અનેક સવાલો ઊભા થાય છે. વિડિયોમાં જોવા મળે છે કે એક દર્દી પાણી આપો, પાણી આપો અને મારી નાખો મારી નાખોની બૂમો પાડી રહ્યો છે, જ્યારે સિવિલનો સ્ટાફ તેને માર મારી રહ્યો છે. સ્ટાફના 3થી 4 લોકો દર્દીને તાબે કરતા જોવા મળે છે.  હજુ થોડા દિવસ પહેલાં જ સિવિલ હોસ્પિટલમાં પડેલા ખાડાને કારણે એક દર્દીનું સ્ટ્રેચર ખાડામાં ખાબક્યું હતું, ત્યારે આજે ફરી એક વિડિયો સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોરોના વોર્ડમાં દર્દીને માર મારતો વિડિયો વાઇરલ થતાં કોંગ્રેસ સેવા દળે તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રણજિત મૂંધવાએ નિવેદન આપતાં કહ્યું હતું કે રાજ્યસભાના સાંસદ માટે તબીબોની ટીમ આવે અને સામાન્ય દર્દીઓને વોર્ડમાં માર મારવામાં આવે એ યોગ્ય કહેવાય?. હોસ્પિટલમાંથી દર્દીઓનો સામાન, દાગીના ચોરીની ઘટનાઓ પણ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે.