ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (11:24 IST)

જામનગરની કોવિડ હોસ્પિટલમાં યુવતિ સાથે યૌનશોષણ, સમગ્ર મામલાની થશે તપાસ

જામનગરમાં એક સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનાર મહિલાકર્મીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના સુપરવાઇઝરોએ તેમને સેવાથી દૂર કરી દીધા કારણ કે તેમને યૌન સંબંધ બનાવવાનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. આ આરોપોનો સામનો કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસની તપાસના આદેશ આપ્યા હતા. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં મંત્રીમંડળની એક બેઠક કરી આ આરોપોની તપાસ કરવાની જાહેરાત કરી હતી. 
 
જામનગરના ગુરૂ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં કેટલીક મહિલાઓએ પત્રકારો સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે તેમના સુપરવાઇઝરોએ એટલા માટે તેમને સેવામાં દૂર કરી દીધા કારણ કે તેમને યૌન સંબંધનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. તેમને એક એજન્સીના માધ્યમથી કોન્ટ્રાક્ટ પર કામ પર રાખવામાં આવ્યા હતા. રાજ્ય મંત્રી મંડળની બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઇ હતી. બેઠક બાદ પ્રદીપસિંહ જાડેજાએ આ આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની ટીમ રચવાની જાહેરાત કરી હતી. 
 
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 
 
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. 
 
આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યું છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ ( ASP) અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે. 
 
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, રાજયભરમાં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહી અને કોઇને પણ છોડશે નહી. કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો પણ કરી દેવાયા છે.