મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (11:05 IST)

એક સમયની અતિ મજબૂત કહેવાતી કોંગ્રેસ આજે ટાઇટેનિકની જેમ ડૂબતું જહાજ બની ચુકી છે. : સી.આર.પાટીલ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લીંબડીના ભાજપા ઉમેદવાર કિરિટસિંહ રાણાના સમર્થનમાં લીંબડી ખાતે અને મોરબીના ભાજપા ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં મોરબી ખાતે જાહેરસભાઓને સંબોધન કર્યું હતું તેમજ સામાજિક અગ્રણીઓ તથા વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
 
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકર્તાઓના આ ઉર્જા અને ઉત્સાહથી સ્પષ્ટ છે કે આ ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય અને કોંગ્રેસની કારમી હાર નિશ્ચિત છે. કોંગ્રેસની આજની પરિસ્થિતિ માટે કોંગ્રેસ પોતે જવાબદાર છે. કોંગ્રેસની આ જ પધ્ધતિ રહી છે કે, ચૂંટણી ટાણે જનતાને ભ્રમિત કરી, જૂઠા વાયદાઓ આપી, લાલચ આપી મત લેવા અને સત્તામાં આવ્યા પછી ગાયબ થઈ જવું, કયારેય જનતા વચ્ચે આવવું નહીં, ફક્ત દેશને લૂંટવાનું કામ કરવું, માટે જ કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને એક સમયની અતિ મજબૂત કહેવાતી કોંગ્રેસ આજે ટાઇટેનિકની જેમ ડૂબતું જહાજ બની ચુકી છે.
 
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશના ગરીબો, પીડિતો, ખેડૂતોનું અનેક વર્ષો શોષણ કર્યું છે, આજે દેશની જનતા આ જૂઠી, રાષ્ટ્રવિરોધી કોંગ્રેસને ક્યાંય તક આપવા માટે તૈયાર નથી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનું બીડું ઝડપીને ગુજરાતની કાયાપલટ કરી, રાજ્યના ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, ગરીબો, આદિવાસીઓ દરેક વર્ગના નાગરિકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી, ગુજરાતની અસ્મિતામાં વધારો કરતા અનેક કાર્યો કર્યા, ગામેગામ વીજળી, રસ્તા, પાણી, ગટર, આરોગ્ય, શિક્ષણની સુવિધાઓ પહોંચાડી, ગુજરાત રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું. 
 
તાજેતરમાં જ સરકાર દ્વારા ખેડૂતોને ખેતકામ માટે રાતના સ્થાને દિવસે વીજળી આપવાની 'કિસાન સૂર્યોદય યોજના' બનાવવામાં આવી છે, હવે રાજ્યનો ખેડૂત દિવસે કામ અને રાત્રે આરામ કરશે, તેને રાત્રે ઠંડી, વરસાદમાં પડતી તકલીફો, રાત્રે જાનવરોના હુમલાનું જોખમ નહીં રહે, ખેડૂતની કાર્યક્ષમતામાં વધારો થશે. આજે નીમ કોટેડ યુરિયાના ઉપયોગથી યુરિયાના કૌંભાંડોનો અંત આવ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન આરંભેલી સૌની યોજનાંથી આજે નર્મદાના પાણી અનેક કિલોમીટર દૂર સુધી પહોંચ્યાં છે.
 
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે એવો માહોલ બનાવ્યો કે દેશની અઝાદીમાં ફક્ત નહેરુનું જ યોગદાન છે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને ભુલાવવાના પ્રયત્નો કરી અન્યાય કર્યો પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પ્રતિભાના અનુરૂપ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ આપી. હવે આખું વિશ્વ સરદાર પટેલના યોગદાન અને જીવન ચરિત્રને નિહાળશે.
 
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન અને ચીન સહિત વિશ્વભરના દેશોને ભારતના સામર્થ્ય અને ક્ષમતાનો પરિચય થયો છે. એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને જડબાતોડ અપાયો છે, નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને કારણે જ આપણા જવાન અભિનંદનને પાકિસ્તાને સલામત રીતે સુપરત કર્યો. કોંગ્રેસની નમાલી સરકારને કારણે 1962માં ચીન સામે ભારતને નમતું જોખવું પડ્યું હતું પણ આજે ચીનને પણ ખબર પડી ગઈ છે કે આ નવું ભારત છે, સક્ષમ ભારત છે. 
 
આજના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ,  પ્રદેશના આગેવાનો, અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ધરાસભ્યો, ભાજપાના અન્ય ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો તેમજ સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.