રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (19:01 IST)

વિજય સુવાળા પર કોંગ્રેસનો કટાક્ષ, ભુવાજીને ભાજપમાં મજા આવશે

ગુજરાતી લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડી નાખ્યો છે. 'આપ'માં જોડાયાના સાત મહિનામાં જ આપ સાથેનો મોહભંગ થતા સુવાળાએ  રાજીનામુ આપીને આજે ભાજપમાં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરાજ સિંહે બીજેપીમાં નવા જોડાયેલાં વિજય સુવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને કહ્યું કે "ભુવાજી ને ભાજપમાં મજા આવશે કારણ કે ત્યાં ડાકલા વગાડવા વાળા ખૂબ લોકો છે".
 
કોરોનાની ત્રીજી લહેરના સંકટ વચ્ચે સરકાર દ્વારા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેમાં ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં 150 લોકોની જ પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે આપને અલવિદા કર્યાના ગણતરીના કલાકમાં લોકગાયક અને નેતા વિજય સુવાળા ભાજપમાં જોડાવવા આવ્યા હતા. ભાજપમાં જોડાવવાના કાર્યક્રમમાં 200થી વધુ કાર્યકરો અને આગેવાનોની એક જ હોલમાં હાજરી જોવા મળી હતી. લોકો માટે નિયમ હોય છે ત્યારે નેતાઓ માટે કેમ નિયમ નહીં તેવી લોકચર્ચા થઈ રહી છે.

ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી.