ધોરણ 10 અને ધોરણ 12ની પેપર સ્ટાઈલમાં મોટો ફેરફાર, જાણી લો નવી પેપરસ્ટાઈલ જે વિદ્યાર્થીઓને પાસ થવુ બનાવશે સરળ
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન અભ્યાસ અને ઓનલાઈન જ પરીક્ષાની આદતથી તેમના શિક્ષણ પર ઘણી અસર પડી છે. વિદ્યાર્થીઓને ભલે હાથમાં સ્માર્ટફોન પકડાવી દીધા હોય પણ તેનાથી તેમની સ્માર્ટનેસ ઓછી થઈ ગઈ છે. અહી કહેવાનો મતલબ છે કે વિદ્યાર્થીઓને લખવાની આદત અને એક જગ્યાએ એકગ્ર ચિત્તે બેસી રહેવાની ટેવ પણ જતી રહી છે. આ જ કારણ છે કે વિદ્યાર્થીઓને ઓફલાઈન પેપર લખતી વખતે મુંઝવણ ઉભી થઈ રહી છે અને તેઓ નિર્ધારિત સમયમાં પેપર સોલ્વ કરી શકતા નથી. જો કે સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે તો પહેલા જ આ સમસ્યાને જોતા પેપર સરળ બનાવવાના ઈરાદાથી એક્ઝામને બે ભાગમાં ડિવાઈડ કરી દીધી છે. જેમા એક ભાગમાં ઓબ્જેક્ટિવ પેપર જે ગયા વર્ષે નવેમ્બરમાં જ થઈ ચુક્યુ છે અને હવે આગામી એપ્રિલમાં ફક્ત સબ્જેક્ટિવ એક્ઝામ 40 નંબરની થશે. આ પહેલા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. પરંતુ
આજે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા સરળ બનાવવા માટે આ વર્ષે શિક્ષણ બોર્ડે બંને 10મું અને 12મા ધોરણની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં ફેરફાર કરી સરળ બનાવી છે. જેમા ધો.10માં 80માંથી 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને ધો.12માં 100માંથી 20 ગુણના એમસીક્યુ તથા 10 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે.
આવો જાણી લો કેવુ રહેશે 10માં અને 12મા ધોરણનું પ્રશ્નપત્ર
ધોરણ 10 - 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જેથી વિદ્યાર્થીઓને પાસ થવામાં સરળતા રહેશે
સેક્શન-A : ધો. 10માં અત્યાર સુધી સેક્શન-A માં હેતુલક્ષીના 16 માર્કસના 16 પ્રશ્ન પૂછાતા, તેમાં ચાલુ વર્ષે 24 માર્કસના 24 પ્રશ્ન પૂછવામાં આવશે, જેથી વિદ્યાર્થીને પાસ થવામાં સરળતા રહેશે.
સેક્શન-B : અત્યાર સુધી 10 પ્રશ્ન ઈન્ટરનલ ઓપ્શન સાથે પૂછાતાં તેમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને 13 પ્રશ્ન પૂછાશે તેમાંથી કોઈપણ 9 પ્રશ્નના જવાબ આપવાના રહેશે. કોઈપણ 4 પ્રશ્ન વિદ્યાર્થીઓ છોડી શકશે.
સેક્શન -C : 24 માર્કસના ફરજિયાત પ્રશ્નો પૂછાતા હતા. આ વર્ષે 18 માર્કસના કુલ 9 પ્રશ્ન પૂછાશે જેમાંથી કોઈપણ 6 પ્રશ્નના જવાબ આપવાના થશે. તેમાં કોઈ પણ ત્રણ પ્રશ્ન છોડી શકાશે.
સેક્શન D : ગયા વર્ષે 20 માર્કસના પ્રશ્નો પૂછાતા હતા. આ વર્ષે પણ 20 માર્કના જ પૂછાશે. ગત વર્ષે 5 પ્રશ્નના જવાબ ફરજિયાત આપવાના થતા હતા. જ્યારે આ વર્ષે 8 પ્રશ્નમાંથી કોઈપણ 5 પ્રશ્નના જવાબ આપવાના થશે અને ત્રણ પ્રશ્ન છોડી શકાશે.
ધોરણ 12 કોમર્સ - સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થી હિતને ધ્યાને રાખીને 30% પ્રશ્નો ઓબ્જેક્ટિવ પૂછાશે
સેક્શન A : મુખ્ય વિષયમાં અત્યાર સુધી 10 પ્રશ્ન MCQ (બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો) પૂછાતા. તેમાં ચાલુ વર્ષે 100% નો વધારો કરી 20 પ્રશ્ન MCQ પૂછાશે. જેથી વિદ્યાર્થી સરળતાથી તેમાં વધુ માર્કસ મેળવી શકશે.
સેક્શન-B : 10 પ્રશ્ન અતિ ટૂંકા પ્રકારના પૂછાતા, તે પણ ચાલુ વર્ષે જેમના તેમ ચાલુ રાખ્યા છે જેથી ઉપરોક્ત 30% પ્રશ્નો હેતુલક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઈપ પૂછાતા વિદ્યાર્થીઓને પાસ થવામાં સરળતા રહેશે.
સેક્શન-C : ઇકોનોમિક્સ અને વાણિજ્ય વ્યવસ્થામાં 15 પ્રશ્ન પૂછાશે જેમાંથી વિદ્યાર્થીઓએ કોઈપણ 12 પ્રશ્નના જવાબ આપવાના રહેશે.
સેક્શન-D : અત્યાર સુધી એકના અથવામાં એક પ્રશ્ન પૂછાતો, આ વર્ષે કુલ 10 પ્રશ્ન પૂછાશે જેમાંથી વિદ્યાર્થીઓએ 7 લખવાના રહેશે.