ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (09:41 IST)

સાયબર ક્રાઈમ રોકવા CIDના સાયબર સેલએ પ્રજાની મદદ મેળવી, ગુનો રોકવા માટે રાજ્યમાં 4,500 વોલેન્ટિયર્સની નિમણૂંક કરી

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસે હવે લોકોની મદદ મેળવી છે. CID ક્રાઈમના સાયબર સેલ દ્વારા ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ રોકવા માટે 4500 વોલેન્ટિયર્સની નિમણૂંક કરી છે. આ વોલેન્ટિયર્સ રાજ્યના નાના શહેરોમા નાગરિકોમાં ઈ-ચિટિંગના ગુના સામે જનજાગૃતિ કેળવવા ઉપરાંત ગુનાના ઉકેલ માટે કાર્યવાહી કરશે. સાયબર ક્રાઈમનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં 13 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરાયાં પછી બીજું મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમ યુવતીઓ, મહિલાઓ માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે. લિન્કો મોકલીને, ફેસબૂક પર દોસ્તી કેળવીને કે અન્ય કોઈ રીતે પણ બેન્કની ડીટેઈલ્સ મેળવી લઈને પ્રજાજનોના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. તો, વોટ્સ-એપ, ફેસબૂક કે અન્ય સોશિયલ મિડિયાના માધ્યમથી યુવતીઓ સાથે સંબંધો કેળવવા કે બદનામ કરવાની ગુનાખોરી પણ વકરી રહી છે. એક સમય હતો કે આ ગુનાખોરી ગુજરાતના શહેરો પૂરતી સીમિત હતી. હવે, ઈ-ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ વધતાં તાલુકા મથકો સુધી સાયબર ક્રાઈમ વિસ્તર્યું છે.સાયબર ક્રાઈમમાં સતત ઉછાળો આવતા ગુજરાત સરકારે CID ક્રાઈમના સાયબર સેલમાં રાજ્યવ્યાપી કન્ટ્રોલ રુમ કાર્યરત કર્યો છે. આ કન્ટ્રોલ રુમના તાબામાં રાજ્યના 13 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. સાયબર ક્રાઈમ બને તે પછી ગુનો નોંધીને આરોપી સુધી પહોંચવાનું આસાન હોતું નથી. આ સંજોગોમાં સાયબર ક્રાઈમથી બચવા માટે લોકોમાં જનજાગૃતિ કેળવાય તે જરુરી છે. રાજ્યના નાના શહેરોમાં જનજાગૃતિ કેળવવા ઉપરાત સાયબર ક્રાઈમના ગુના ઉકેલવા માટે હવે CIDના સાયબર સેલએ 4500 વોલેન્ટિયર્સની નિમણૂંક કરી છે. CID ક્રાઈમ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો મુજબ, રાજ્યના તમામ જિલ્લામાં ત્રણ પ્રકારે વોલેન્ટિયર્સની નિમણૂંક કરવામાં આવી રહી છે. સાયબર વોલેન્ટિયર્સ લોકોને એકત્ર કરીને લોકોમાં મોબાઈલના ઉપયોગ અને ઈ-ટ્રાન્ઝેક્શન સલામત રીતે કરવા અંગે જાણકારી આપશે. જ્યારે, સોશિયલ મિડિયા અંગે અવેરનેસ માટે થઈને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે વોલેન્ટિયર્સ જઈને લોકોમાં જનજાગૃતિ કેળવશે.  જ્યારે, સાયબર ક્રાઈમના નિષ્ણાત વોલેન્ટિયર્સ આવી ગુનાખોરી રોકવામાં સીઆઈડીને મદદ કરશે. સાયબર ડીગ્રી, ડિપ્લોમા કે એમ-ટેકનો અભ્યાસ કરેલાં કે કોમ્પ્યુટર, ઈન્ટરનેટની જાણકારી ધરાવતાં હોય તેવા ત્રણ પ્રકારના વોલેન્ટિયર્સની નિમણૂંક કરવામાં આવી રહી છે.