દેખ તમાશા પૈસો કા: લઇ જાવ આટલામાં વેચાઇ રહી છે ડીગ્રી, ગાંધીનગરમાંથી બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું રાજ્ય વ્યાપી કૌભાંડ ઝડપાયું
ગાંધીનગરનાં સેક્ટર-22માં આવેલા શ્રીનાથ કોમ્પલેક્ષમાં બરુસા એજ્યુકેશન કન્સલ્ટન્સીના ઓથાર હેઠળ અલગ અલગ યૂનિવર્સિટીનાં નકલી ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના રાજ્ય વ્યાપી કૌભાંડનો સેકટર-21 પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે જથ્થા બંધ નકલી સર્ટિફિકેટ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકના પીઆઈ મનોજ ભરવાડના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઇ આર.સી. ખરાડી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. એ દરમિયાન મળેલી બાતમીના પગલે સેકટર-22 શ્રીનાથ કોમ્પલેક્ષના ભોંયતળિયે આવેલી દુકાન નંબર-5માં બરુસા નામની એજ્યુકેશન કન્સલ્ટન્સીમાં દરોડો પાડી સંચાલિકા વંદના શ્યામલકેતુ બરુંઆ (બંગાળી)ને ઝડપી લેવામાં આવી હતી.
દેવી એજ્યુકેશનનાં ડાયરેક્ટર તન્મય દેવરોયએ (રહે. અગરતલા) કહેલું કે ભારતની અમુક યૂનિવર્સિટીમાં સીધા સંપર્ક છે. ધોરણ-10, 12 અને ધોરણ-12 પાસ કર્યા પછી સ્નાતકનો અભ્યાસ ચૂકી ગયેલા કોઇપણ વ્યક્તિને ડિગ્રીનાં ડીમડેટનાં સર્ટીઓ પરીક્ષા આપ્યા વિના પૈસાથી મળી રહેશે. જેથી વંદનાએ સેક્ટર-22 શ્રીનાથ કોમ્પલેક્ષના હાઈટેક કોમ્પ્યુટર ક્લાસના વિપુલ અમરતભાઈ પટેલને વાત કરી હતી. 40-50 હજારમાં ડિગ્રી વેચતા આમ વિપુલ જરૂરિયાતમંદ ગ્રાહકો લઈ આવતો હતો અને વંદના ડિમાન્ડ મુજબ વિવિધ ડિગ્રી સર્ટિફિકેટ મંગાવી આપી વેચતી હતી. જે પેટે 40-50 હજાર તેઓ લેતા હતા અને સરખા ભાગે વહેંચી લેતા હતા.
આથી કોમ્પ્યુટર ક્લાસમાં પણ રેડ કરીને વધુ નકલી સર્ટી જપ્ત કરાયા હતા. આ બંને જગ્યાએથી પોલીસને મેરઠની ચૌધરી ચરણસિંઘ યૂનિવર્સિટી, જયપુરની નૅશનલ યૂનિવર્સિટી, રાજસ્થાનની સન રાઈઝ યૂનિવર્સિટી, તેમજ અમદાવાદની ડેલોક્ષ ટીચર યૂનિવર્સિટીના વિવિધ નકલો સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી વંદના બરુઆ અને વિપુલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.