શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 નવેમ્બર 2023 (12:44 IST)

ધોરાજીના યુવકનો જેટકોની લેવાયેલી પોલ ટેસ્ટમાં અન્યાય થયાનો આક્ષેપ,રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માગ

રાજકોટ જિલ્લાના ધોરાજીના યુવકે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માગ કરી છે. જેમાં તેને ફેબ્રુઆરી 2023માં જેટકોની લેવાયેલ પોલ ટેસ્ટમાં અન્યાય થયો હોવાનું કહી તેમાં યોગ્ય ન્યાય આપવા બાબતે કરેલી રજૂઆતમાં કોઈ ઉકેલ ન આવતા બેરોજગારીથી કંટાળી ઈચ્છા મૃત્યુની માગ કરી છે.

ધોરાજીમાં રહેતા સંકેત મકવાણા નામના યુવકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળી RTI મારફત મેળવેલ પુરાવાઓ રજૂ કરી તેમને થયેલ અન્યાયના કારણે બેરોજગારીથી કંટાળી ઈચ્છા મૃત્યુની માગ કરી છે. તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2023થી અલગ અલગ તારીખમાં અલગ અલગ જગ્યાએ પોલ ટેસ્ટનું આયોજન થયેલ હતું. જીયુવીએનએલના પોલ ટેસ્ટના નિયમોનું પાલન ક૨વાનું હતું. તેમાં જામનગર, ગોંડલ, અમરેલી, અંજાર, સુરેન્દ્રનગર વગેરે સર્કલમાં પોલ ટેસ્ટમાં પોલના ક્લેમને હાથ અડાડીને આવી જવાનું હતું. પરંતુ જૂનાગઢ સર્કલમાં જેટકોના અધિકારીઓએ જીયુવીએનએલના નિયમો નેવે મૂકી દીધા હોય, તેમ ઘ૨ના નિયમો બનાવી પોલના ક્લેમ ઉપ૨ પગ મુકાવ્યા હતા. જેથી પોલ ચડવામાં વાર લાગેલી અને ઉમેદવારોને માર્ક ઓછા આવેલા. મેં આ પરીક્ષા આપી હતી. જૂનાગઢ સર્કલમાં મારા કોલ લેટર નં.422 અને લેખિત પરીક્ષાના રોલ નં. 101791 છે અને ૫રીક્ષા આપી છે. પોલ ટેસ્ટ વખતે પોલ ક્લેમને 16 સેકન્ડમાં સ્પર્શ કર્યો છે. જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે તો મારે માર્ક પૂરા 25 થવા જોઈએ.

આ વીડિયો જેટકોએ માહિતી અધિકા૨ના કાયદા હેઠળ આપેલ છે તો જૂનાગઢ સર્કલના પોલ ટેસ્ટની વીડિયોગ્રાફી જોઈ પોલ ટેસ્ટમાં જે ઉમેદવારોઓ હાથ અડાડ્યા હોય તે માન્ય રાખી તે થતી સેકન્ડ જોઈ તેના તમામ ઉમેદવારોના માર્ક મૂકવામાં આવે, કા૨ણ કે, જેટકોની એક જ પરીક્ષા હોય તો એક જ નિયમ હોવો જોઈએ. તો જૂનાગઢ સર્કલમાં પગ કેમ અડાડવાનું કહ્યું? આ પ્રશ્ન ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલ હોય તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવે અને ઉમેદવારોને ન્યાય આપવામાં આવે. આ રજૂઆત જેટકોને આવેદન મારફત તથા રૂબરૂ લેખિત તથા મૌખિક જાણ કરી હતી. ૫રંતુ યોગ્ય કાર્યવાહી કરી નથી. માટે હું માનસિક રીતે બેરોજગારીના કારણે ભાંગી પડ્યો છું. જેથી મને બેરોજગારીના કા૨ણે ઈચ્છા મૃત્યુ આપવા આપવા નમ્ર વિનંતી.