શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (20:41 IST)

મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ બંને જ ઇન્જેકશન સારવારમાં અસરકારક

કોરોના વાયરસ બાદ મ્યુકરમાઇકોસિસની બિમારીએ જોર પકડ્યું છે. પોસ્ટ કોવિડ દર્દીઓ ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીઓમાં આ રોગનું પ્રમણ વધુ જોવા મળી રહ્યું છે. મ્યુકરમાઇકોસીસની સારવાર માટે હાલ એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન દ્વારા સારવાર આપવામાં આવે છે.
 
એમ્ફોટેરેસીન બી ઇન્જેકસનમાં બે પ્રકારના ઇન્જેકશનનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળે છે. જેમાં લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન અને લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જકેશનનો સમાવેશ થાય છે.
 
બંને ઇન્જેકશનના શરીરમાં રહેલ મ્યુકરમાઇકોસીસ ફંગલનો જળમૂળથી નાશ કરવા કારગર સાબિત થયા છે. શરીરમાં આ ઇન્જેકશનના ઉપયોગથી શરીરના વિવિધ ભાગમાં રહેલ મ્યુકર ફંગસને જળમૂળમાંથી નાશ કરવાનું કામ આ ઇન્જેકશન કરે છે.
 
 
લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન ઇન્જેકશન પ્રત્યે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. લાયોફિલાઇઝ ઇન્જેકશનના ઉપયોગ કરવાથી કિડનીને નુકશાન પહોંચે છે. કિડની ફેઇલ થઇ જાય છે તેવી ચર્ચાઓ લોકમુખે છે. સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે, શરીરમાં કોઇપણ પ્રકારના દુખાવાની અન્ય મેડીસીન એટલે કે પેઇનકિલરની પણ મહદઅંશે કિડની અથવા અન્ય અંગો પર અસર થતી હોય છે. 
 
જે લાંબાગાળે માનવશરીરમાં જોવા મળે છે. લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન ઇન્જેકશન લેવાથી ચોક્કસપણે કિડની ફેઇલ થઇ જતી નથી કે કિડની પર તીવ્ર આડઅસર થતી નથી. આ પ્રકારના કિસ્સા જૂજ પ્રમાણમાં જોવા મળ્યા છે. આ ઇન્જેકશન શરીરમાં પ્રવેશે ત્યારે કિડની પર સામાન્ય દબાણ ઉદભવે છે.
 
 
કોમોર્બિડ અને કિડનીની અગાઉથી બિમારી ધરાવતા મ્યુકરના દર્દીઓ ઉપર જ આ પ્રકારના ઇન્જેકશનની સામાન્ય અસર થવાની સંભાવના રહેલી છે. આ ઇન્જેકશન શરીરમાં ફંગસનો નાશ કરતી વખતે જ્યારે પ્રવેશે છે ત્યારે અન્ય ભાગ ખાસ કરીને કિડની ઉપર સમાન્ય અસર વર્તાવવાની સંભાવના રહેલી હોય છે. જે આપણે શરીરમાં રહેલા ક્રિએટીનીન લેવલના માપદંડો થી જોઇ શકીએ છીએ. 
લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન ફંગસનો નાશ કરે છે. આ ઇન્જેકશનની  કિડની પર ભયાનક આડઅસર જૂજ કિસ્સામાં જ વર્તાય છે. દર્દીના શરીરની જરૂરિયાત અને દરેક દર્દીમાં રોગની ગંભીરતાના આધારે ટોક્સીક લેવલ નિર્ધારીત કરવામાં આવે છે.ઇન્જેકશનનો ડોઝ નક્કી કરવામાં આવે છે. જેના કારણોસર અસામાન્ય પરિણામો થી બચી શકાય. 
 
મ્યુકરમાઇકોસીસ માટે એમ્ફોટેરેસીન ઇન્જેકશન સિવાય અન્ય કોઇ અસરકારક ઇન્જેકશન ઉપલબ્ધ ન હોય અને આ ઇન્જેકશન લાઇફ સેવીંગ ડ્રગ એટલે કે જીવનરક્ષક ઇન્જેકશન તરીકે કાર્ય કરતું તબીબો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
 
 
મ્યુકરમાઇકોસીસમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેશન વચ્ચેનો ભેદ
 
લાયોફીલાઇઝ એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન સામાન્યપણે જે સ્વરૂપમાં બનાવવામાં આવ્યું હોય તે મૂળ સ્વરૂપમાં જ મિશ્ર થઇને શરીરમાં પ્રવેશે છે. શરીરમાં જ્યારે તેની અસર વર્તાય ત્યારે ફંગસ થયેલ ભાગ પર પહોંચતી વખતે કિડની મારફતે થઇ તે ફંગસના ભાગ સુધી પહોંચે છે આવા કિસ્સામાં આ ઇન્જેકશનની કિડની પર પણ સામાન્ય અસર થતી જોવા મળે છે. 
 
અતિગંભીર અને કિડની ફેલ્યોરના કિસ્સા જૂજ પ્રમાણમાં જ જોવા મળ્યા છે. જ્યારે લાયફોસોમોલ પ્રકારના એમ્ફોટેરેસીનમાં એક પડ(કોટેડ) એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન સાથે મિશ્ર કરવામાં આવે છે. જયારે આ ઇન્જેકશન શરીરમાં પ્રવેશે છે ત્યારે તે ફંગસ ધરાવતા વિસ્તારમાં પર ચોક્કસ પણે અસર કરે છે. આ ઇન્જકેશનના કારણે શરીરનો અન્ય ભાગ આનાથી અસરગ્રસ્ત બનતો નથી.