શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (09:44 IST)

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, લૂંટ ચલાવી હત્યારા ફરાર

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ધનતેરસની સાંજે ઘરમાં ઘૂસી વયોવૃદ્ધ દંપતીનું ગળું કાપું હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારુઓએ ઠંડા કલેજે સિનિયર સિટીઝન દંપતીની હત્યા કરી લૂંટ ચલાવી હતી. જોકે લૂંટમાં કેટલો મુદ્દામાલ ગયો તે હજુ જાણી શકાયું ન હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.ઘાટલોડિયામાં આવેલા રન્ના પાર્કમાં ટેલિફોન એક્સચેન્જ પાસેના પારસમણિ ફ્લેટમાં દયાનંદ સુબરાવ શાનબાદ (ઉં. 90), પત્ની વિજ્યાલક્ષ્મી (ઉં. 80) અને પૌત્રી રિતુ સાથે રહેતાં હતાં. દયાનંદના 2 દીકરા પૈકી એક દીકરાનું બીમારીને કારણે અવસાન થયું હતું. જ્યારે બીજો દીકરો કિરણ તેના પરિવાર સાથે અડાલજની પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહે છે. રિતુ અભ્યાસ કરતી હોવાથી ધનતેરસની સાંજે કામથી બહાર ગઈ હતી. જ્યારે સિનિયર સિટીઝન દંપતી ઘરમાં એકલું હતું.મંગળવારે સાંજે પોણા આઠ વાગ્યે મેડિકલ સ્ટોરનો કર્મચારી આ સિનિયર સિટીઝન દંપતીની દવા આપવા માટે ઘરે ગયો હતો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી તે સીધો અંદર ગયો હતો અને જોયું તો બેડરૂમમાં દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. આ અંગે તેણે ફોનથી દંપતીના પુત્ર કિરણભાઈ તથા આસપાસના લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ તેમ જ ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ અંગે ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ધારદાર હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરી વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. જ્યારે વિજ્યાલક્ષ્મીબહેને કાનમાં પહેરેલી બુટ્ટી લુટારુ લઈ ગયા ન હતા, પરંતુ બેડરૂમની તિજોરીનાં તાળાં તૂટેલાં હતાં, જેથી લુટારુઓ દાગીના, રોકડ સહિતની કેટલી મત્તા લઈ ગયા છે તે હજી જાણી શકાયું નથી.આ ઘટનાની જાણ થતાં પોલીસ જ્યારે દંપતીના ઘરે પહોંચી ત્યારે તિજોરી તેમ જ અન્ય સામગ્રીઓ વેરવિખેર હતી. ઘરમાં એક પણ મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો, જેથી લુટારુઓ દંપતીના મોબાઇલ ફોન સાથે લઈ ગયા હોવાની શંકાના આધારે પોલીસે તપાસ કરી હતી, પરંતુ રિતુ અને કિરણભાઈએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ મોબાઇલ ફોન વાપરતા જ ન હતા, તેના બદલે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હતા.ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ ઘાટલોડિયા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ તથા ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ સાથે એફએસએલ તેમ જ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. જોકે સોસાયટીમાં સીસીટીવી કેમેરા લાગેલા ન હોવાથી પોલીસે બહાર રોડ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.